દેવભૂમિ દ્વારકામાં દારૂના બે બુટલેગરો સામે પાસાની કાર્યવાહી, અલગ-અલગ જેલમાં મોકલાયા

દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં દારૂના ગેરકાયદે ધંધા સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. દ્વારકા તાલુકાના બે કુખ્યાત બુટલેગરો સામે પાસા (Prevention of Anti Social Activities Act) હેઠળ કાર્યવાહી કરીને તેમને અલગ-અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ, નાગેશ્વર ગામના રહેવાસી રણમલભા સામરાભા ઉર્ફે સામળાભા સુમણીયા અને ટોબર ગામના રહેવાસી રાયદે ટપુભા કેર સામે સ્થાનિક પોલીસ મથકોમાં સમયાંતરે દારૂના ગેરકાયદે વેપાર સંબંધિત અનેક ગુનાઓ નોંધાયેલા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ જિલ્લા એલસીબી દ્વારા જિલ્લામાં બુટલેગરો, જુગારીઓ અને અસામાજિક તત્વો સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી અને પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમે બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસના આધારે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી.

આ દરખાસ્ત જિલ્લા કલેક્ટર રાજેશ એમ. તન્ના સમક્ષ રજૂ કરવામાં આવી હતી. કેસની સમીક્ષા કર્યા બાદ કલેક્ટરે બંને આરોપીઓ સામે પાસા હેઠળ અટકાયતી કાર્યવાહી મંજૂર કરી અને વોરંટ જારી કર્યા હતા.

ત્યારબાદ એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.આર. સવસેટા અને તેમની ટીમે બંને આરોપીઓને ઝડપી લઈને પાસાના વોરંટની અમલવારી કરી હતી.

કાર્યવાહી બાદ રણમલભા સામરાભા ઉર્ફે સામળાભા સુમણીયાને કચ્છ-ભુજ સ્થિત પાલારા વિશેષ જેલમાં મોકલવામાં આવ્યો છે, જ્યારે રાયદે ટપુભા કેરને નર્મદા જિલ્લાના રાજપીપળા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

પોલીસનું કહેવું છે કે જિલ્લામાં ગેરકાયદે દારૂના વેપાર અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે આગામી સમયમાં પણ આવી કડક કાર્યવાહી યથાવત્ રાખવામાં આવશે.

Leave a Comment

और पढ़ें