ભાજપના સંસદીય બોર્ડની 30 ઓગસ્ટ આસપાસ પુનઃરચના : ફડણવીસનું પત્તું લગભગ નક્કી?

ભાજપના નવા સંગઠન માળખાની રચના બાદ હવે પક્ષની સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેતી સંસ્થા ગણાતા સંસદીય બોર્ડના પુનઃગઠનને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા.30 ઓગસ્ટની આસપાસ નવા સંસદીય બોર્ડની જાહેરાત થઈ શકે છે. નવા બોર્ડમાં રાજ્યોના મુખ્યમંત્રીઓને વધુ મહત્વ આપવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભાજપનું સંસદીય બોર્ડ કુલ 12 સભ્યોનું હોય છે. તેમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ, વડાપ્રધાન, ગૃહમંત્રી અને સંગઠન મહામંત્રી સહિતના ટોચના નેતાઓનો સમાવેશ થાય છે. હાલ રાજનાથસિંહ સહિતના કેટલાક વરિષ્ઠ નેતાઓ બોર્ડમાં છે, પરંતુ નવા સંગઠન માળખા બાદ તેમાં મોટા ફેરફારો થવાની શક્યતા છે.

ફડણવીસને રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી મળવાની શક્યતા

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નામ સંસદીય બોર્ડ માટે સૌથી વધુ ચર્ચામાં છે. મહારાષ્ટ્રમાં ભાજપને મજબૂત કરવામાં તેમની ભૂમિકા અને રાષ્ટ્રીય સ્તરે પક્ષમાં વધતું કદ જોતા તેમને સંસદીય બોર્ડમાં સ્થાન આપવામાં આવે તેવી શક્યતા પ્રબળ માનવામાં આવી રહી છે.

ફડણવીસને સંસદીય બોર્ડમાં સામેલ કરવા માટે સંઘ તરફથી પણ આગ્રહ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જો તેમનો સમાવેશ થાય તો તેઓ મહારાષ્ટ્રની સાથે ભાજપની રાષ્ટ્રીય રાજનીતિમાં પણ વધુ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી શકે છે.

યોગી, હિમંતા અને સુવેન્દુના નામ પણ ચર્ચામાં

સંસદીય બોર્ડમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીને સ્થાન આપવાની ચર્ચા પણ ચાલી રહી છે.

જો આ ત્રણેયમાંથી કેટલાક નેતાઓનો સમાવેશ થાય તો ભાજપના સર્વોચ્ચ નિર્ણય લેતા મંચ પર મુખ્યમંત્રીઓનું પ્રતિનિધિત્વ નોંધપાત્ર રીતે વધશે. ખાસ કરીને હિમંતા બિસ્વા સરમા અને સુવેન્દુ અધિકારી અગાઉ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને બાદમાં ભાજપમાં આવીને મુખ્યમંત્રી બન્યા છે. આ બંનેને બોર્ડમાં સ્થાન મળે તો પક્ષની રાષ્ટ્રીય નિર્ણય પ્રક્રિયામાં તેમના કદમાં પણ મોટો વધારો ગણાશે.

જે.પી. નડ્ડાની બાદબાકી?

નવા બોર્ડમાં ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને સ્થાન નહીં મળે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ દક્ષિણ ભારતમાંથી ભાજપના એક નેતાને સંસદીય બોર્ડમાં સામેલ કરીને પ્રાદેશિક સંતુલન જાળવવાનો પ્રયાસ થઈ શકે છે.

ફડણવીસનું નામ હાલ સૌથી મજબૂત ગણાઈ રહ્યું છે, પરંતુ અંતિમ નિર્ણય ભાજપના ટોચના નેતૃત્વ દ્વારા લેવામાં આવશે. નવા બોર્ડની રચનામાં ફડણવીસને મહત્વ આપવું કે યોગી આદિત્યનાથને વધુ રાષ્ટ્રીય જવાબદારી આપવી, તે પણ મહત્વપૂર્ણ રાજકીય સમીકરણ બની શકે છે.

મોદી પણ મુખ્યમંત્રી હતા ત્યારે બોર્ડમાં આવ્યા હતા

ભાજપના સંસદીય બોર્ડમાં મુખ્યમંત્રીને સ્થાન મળવાનું આ પ્રથમ ઉદાહરણ નથી. વર્ષ 2006માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનો પણ સંસદીય બોર્ડમાં સમાવેશ થયો હતો. બાદમાં રાજનાથસિંહે તેમનું સ્થાન લીધું હતું. જોકે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા ત્યારે તેઓ ફરીથી સંસદીય બોર્ડમાં સામેલ થયા હતા.

આથી હવે ભાજપના નવા સંગઠન બાદ સંસદીય બોર્ડની રચના પર સૌની નજર છે. ખાસ કરીને દેવેન્દ્ર ફડણવીસને સ્થાન મળે છે કે નહીં અને મુખ્યમંત્રીઓનું પ્રતિનિધિત્વ કેટલું વધે છે, તે આગામી દિવસોમાં ભાજપના રાષ્ટ્રીય રાજકીય માળખાને નવી દિશા આપી શકે છે.

Leave a Comment

और पढ़ें