કાઠમંડુ: નેપાળમાં ગ્લેશિયર સંબંધિત આફત બાદ હજુ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે ત્યારે હવે તિબેટમાંથી વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તિબેટમાં મોટેકાશી નદીના સ્ત્રોત નજીક આવેલા એક જળાશયમાં પાણીનું લીકેજ શરૂ થતાં અને અન્ય એક બંધની સ્થિતિ પણ નાજુક બનતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત જોખમને પગલે રાહત અને બચાવ કામગીરી સાથે જોડાયેલા લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે.
જળાશયમાં પાણીનું પ્રમાણ સતત વધતું હોવાના અહેવાલો વચ્ચે તિબેટના ગ્લેશિયર વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ નીચે તરફ આવી રહ્યો છે. આ પાણી જળાશયમાં ઠલવાતા તેની સપાટી અને દબાણમાં વધારો થયો છે. પરિણામે મોટેકાશી નદીમાં ફરીથી પૂરનું જોખમ ઊભું થયું છે. ચીન દ્વારા પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તિબેટ વિસ્તારમાં ચાલી રહેલી રેસ્ક્યૂ કામગીરીને રોકી દેવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું છે.
સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા અગાઉની કુદરતી આફતમાં બચી ગયેલા લોકોને પણ સંભવિત જોખમવાળા વિસ્તારોમાંથી બહાર કાઢીને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને માઇક દ્વારા સતત ચેતવણી આપવામાં આવી રહી છે. લોકોને ઊંચાઈવાળા સુરક્ષિત વિસ્તારોમાં પહોંચી જવા માટે અપીલ કરવામાં આવી છે.
અહેવાલો મુજબ જો જળાશય તૂટી પડે તો અંદાજે 10 લાખ ક્યુબિક મીટર જેટલું પાણી અચાનક નીચે તરફ ધસી શકે છે. જેના કારણે નેપાળના નીચાણવાળા વિસ્તારોમાં ગંભીર પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. અગાઉની આફત કરતાં પણ વધુ વિનાશ સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, સંભવિત નુકસાન અંગે હાલ ચોક્કસ આંકલન કરવું વહેલું છે.
નુવાકોટ નજીકના વિસ્તારોને સૌથી વધુ સંભવિત જોખમવાળા વિસ્તારોમાં સામેલ કરવામાં આવ્યા છે. તિબેટ-નેપાળ સરહદ પર સર્જાયેલી સ્થિતિને કારણે નેપાળ તરફથી મોકલવામાં આવેલી રાહત અને બચાવ ટીમોની કામગીરીને પણ અસર પહોંચી છે.
હાલ સમગ્ર વિસ્તારમાં તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરીને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આગામી કેટલાક કલાકો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. જળાશયની સ્થિતિ વધુ ખરાબ થાય છે કે પાણીનો પ્રવાહ નિયંત્રણમાં આવે છે તેના પર નેપાળના અનેક વિસ્તારોની સુરક્ષા નિર્ભર છે. લોકોને સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.








