મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે જશે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બ્રિટન અને જાપાનમાં કરશે રોડ શો
રાજકોટ: ગુજરાત સરકાર આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ને અત્યાર સુધીની સૌથી ભવ્ય અને વ્યાપક સમિટ બનાવવા માટે તૈયારીના અંતિમ તબક્કામાં પ્રવેશી રહી છે. રાજ્ય સરકારના આયોજન મુજબ, ઉદ્યોગ, રોકાણ, ટેકનોલોજી અને વૈશ્વિક ભાગીદારીના નવા આયામો સાથે આ સમિટને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ અસરકારક બનાવવાનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
રાજ્ય સરકારે અગાઉની જેમ માત્ર ગાંધીનગર પૂરતી સમિટ મર્યાદિત ન રાખતાં વિવિધ વિસ્તારોમાં રીજનલ કોન્ફરન્સ યોજીને સ્થાનિક ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ્સને પણ વૈશ્વિક રોકાણકારો સાથે જોડવાનો પ્રયાસ શરૂ કર્યો છે. હવે 2027ની સમિટમાં આ અભિગમને વધુ વિસ્તૃત સ્વરૂપ આપવામાં આવશે.
સરકાર આગામી દાયકાના વિકાસને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાની વ્યૂહરચના પર કામ કરી રહી છે. તેમાં સેમિકન્ડક્ટર, એવિએશન, અદ્યતન ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ અને વૈશ્વિક રોકાણ જેવા ક્ષેત્રોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે. સાથે જ 2030ના કોમનવેલ્થ ગેમ્સ અને 2036ના ઓલિમ્પિક્સ માટેની રાજ્યની તૈયારીઓ પણ વૈશ્વિક રોકાણકારો સમક્ષ રજૂ કરવાની યોજના છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે રોકાણ આકર્ષવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ટૂંક સમયમાં અમેરિકાના પ્રવાસે જશે. મુખ્યમંત્રી બન્યા બાદ તેમનો આ પ્રથમ સત્તાવાર વિદેશ પ્રવાસ હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બ્રિટન અને જાપાનની મુલાકાતે જઈ વાઈબ્રન્ટ ગુજરાત-2027 માટે રોડ શો અને રોકાણકારો સાથે બેઠક યોજશે.
માહિતી મુજબ, બ્રિટન સાથે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના પરિપ્રેક્ષ્યમાં નવા રોકાણની તકો અંગે ચર્ચા કરવામાં આવશે, જ્યારે જાપાનમાં ઔદ્યોગિક અને ટેકનોલોજી ક્ષેત્રે ભાગીદારી વધારવા પ્રયાસો હાથ ધરાશે. આ પ્રવાસ દરમિયાન વરિષ્ઠ IAS અધિકારીઓની ટીમ પણ વિવિધ દેશોમાં રોકાણકારો અને ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે બેઠક કરીને સમિટ માટેની વ્યૂહરચનાને અંતિમ સ્વરૂપ આપશે.
રાજ્ય સરકારનું માનવું છે કે વાઈબ્રન્ટ ગુજરાત-2027 માત્ર રોકાણ સમિટ નહીં, પરંતુ આગામી દાયકાના ગુજરાતના આર્થિક વિકાસ અને વૈશ્વિક ભાગીદારીનો મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે.








