નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાની તબિયત અચાનક ખરાબ થતાં તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુરુવારે સાંજે અસ્વસ્થતા અને બેચેની અનુભવાયા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
AIIMSમાં તબીબોએ નડ્ડાની એન્જિયોગ્રાફી કરી હતી. આ તપાસ દ્વારા હૃદયની નસોમાં લોહીના પ્રવાહ અને કોઈ પ્રકારનું બ્લોકેજ છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે.
હોસ્પિટલના હેલ્થ બુલેટિન મુજબ નડ્ડાની હાલત હાલ સ્થિર છે અને તેમને AIIMSના કાર્ડિયોલોજી વિભાગમાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
નડ્ડાની તબિયત બગડવાના સમાચાર સામે આવતા ભાજપ સહિત રાજકીય ક્ષેત્રમાં ચિંતા જોવા મળી હતી. તેમના ઝડપથી સ્વસ્થ થવા માટે શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે.
દરમિયાન, સારવાર હેઠળ હોવા છતાં જે.પી. નડ્ડાએ 14 ઓગસ્ટના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે સોશિયલ મીડિયા પર સંદેશ શેર કર્યો હતો. તેમણે ભારતના ભાગલા દરમિયાન જીવ ગુમાવનારા અને અસહ્ય યાતનાઓ ભોગવનારા લાખો લોકોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.








