જસદણના વિંછીયા બાયપાસ નજીક રૂરલ LCBએ દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી કારના ચોરખાનામાં સંતાડેલી 645 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે મધ્યપ્રદેશના બે શખ્સોની ધરપકડ કરી દારૂ, કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.7.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ LCB ટીમ જસદણ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મહિન્દ્રા TUV કારમાં ચોરખાનું બનાવી દારૂનો જથ્થો ભરી બે શખ્સો વિંછીયાથી જસદણ તરફ પસાર થવાના છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કારને રોકી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન કારના ચોરખાનામાંથી રૂ.2.54 લાખની કિંમતની 645 બોટલ દારૂ મળી આવી હતી. પોલીસે કારમાં સવાર ધનંજય ગુર્જર ભરડીયા અને નિલેશ ઈસરીયા કલેશ, બંને અલીરાજપુર, મધ્યપ્રદેશના રહેવાસી,ને ઝડપી લીધા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં બંને શખ્સો મધ્યપ્રદેશથી દારૂ ભરી જૂનાગઢ પંથકમાં ડિલિવરી આપવા આવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે ડિલિવરી થાય તે પહેલાં જ બંને ઝડપાઈ ગયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બંને અગાઉ પણ ચારથી પાંચ વખત દારૂની ડિલિવરી માટે ગુજરાત આવી ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ જસદણ પોલીસે બંનેનો કબજો સંભાળી દારૂનો જથ્થો કોને પહોંચાડવાનો હતો તે અંગે રિસીવર સહિતના નેટવર્કની તપાસ શરૂ કરી છે.









