નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ડોક્ટરો અને હોસ્પિટલને ગ્રાહક સુરક્ષા કાયદાના દાયરામાં લાવનારા પોતાના 31 વર્ષ જૂના ચુકાદામાં ફેરફાર કરવાનો ઇનકાર કર્યો છે. પાંચ જજોની બેન્ચે 1995ના ઐતિહાસિક ચુકાદાને પડકારતી ક્યુરેટિવ અરજી ફગાવી દીધી છે.
જસ્ટિસ વિક્રમનાથ, જસ્ટિસ બી.વી. નાગરત્ના, જસ્ટિસ એ.એમ. સુંદરેશ, જસ્ટિસ પ્રશાંતકુમાર મિશ્રા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે જણાવ્યું કે ક્યુરેટિવ અરજી પર વિચાર કરવા માટે નક્કી કરાયેલા માપદંડ મુજબ આ કેસમાં હસ્તક્ષેપનું કોઈ કારણ બનતું નથી.
આ અરજી મેડિકો-લીગલ સોસાયટી ઓફ ઇન્ડિયાના ડો. રાજીવ ડી. જોશીએ દાખલ કરી હતી. 1995માં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વિરુદ્ધ વી.પી. શાંતા કેસમાં સુપ્રીમ કોર્ટે તબીબી સેવાઓને ગ્રાહક સંરક્ષણ કાયદા હેઠળ આવરી લીધી હતી. ત્યારથી સારવારમાં સેવાની કમી અંગે દર્દીઓને ગ્રાહક આયોગમાં ફરિયાદ કરવાની મંજૂરી છે.
દરેક ખરાબ પરિણામ માટે ડોક્ટર જવાબદાર નહીં
ચુકાદાનો અર્થ એ નથી કે સારવારનું દરેક પરિણામ ડોક્ટર કે હોસ્પિટલની કાયદાકીય જવાબદારી નક્કી કરે છે. તબીબી સેવામાં વાસ્તવિક ખામી અથવા બેદરકારીનો આક્ષેપ હોય ત્યારે ગ્રાહક કાયદા હેઠળ કાર્યવાહીનો માર્ગ ઉપલબ્ધ રહેશે.
વકીલોના ચુકાદાનો પણ ઉલ્લેખ
ક્યુરેટિવ અરજીમાં વકીલોને ગ્રાહક કાયદા હેઠળની કાર્યવાહીમાંથી બહાર રાખતા સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાનો આધાર લેવામાં આવ્યો હતો. જોકે પાંચ જજોની બેન્ચે સ્પષ્ટ કર્યું કે વકીલોના વ્યવસાય અંગેનો ચુકાદો ચિકિત્સા વ્યવસાયને ગ્રાહક સુરક્ષા કાયદાના દાયરામાંથી બહાર રાખવા માટે 1995ના ચુકાદાને ફરી ખોલવાનો આધાર બની શકે નહીં.









