રામ મંદિર CEOની પસંદગીમાં આસ્થા સાથે વહીવટની પણ કસોટી

18 ઉમેદવારોના ઇન્ટરવ્યુ; ભીડ વ્યવસ્થાપન, નાણાકીય આયોજન અને મંદિર સંચાલન અંગે સવાલો

અયોધ્યા: શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રથમ પૂર્ણકાલીન CEOની નિમણૂક પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. અયોધ્યામાં શોર્ટલિસ્ટ કરાયેલા 18 ઉમેદવારોના ઇન્ટરવ્યુ શરૂ કરવામાં આવ્યા છે.

ઇન્ટરવ્યુ દરમિયાન ઉમેદવારોના વહીવટી અનુભવ, મેનેજમેન્ટ ક્ષમતા, નાણાકીય વ્યવસ્થા, મંદિર સંચાલન અને ભીડ નિયંત્રણ અંગે સવાલો પૂછવામાં આવ્યા હતા. અગાઉ મોટી ભીડ ધરાવતા ધાર્મિક કે અન્ય કાર્યક્રમોનું સંચાલન કર્યું છે કે નહીં, તેની પણ માહિતી લેવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, ઉમેદવારોને ભગવાન શ્રીરામ પ્રત્યેની આસ્થા અને રામ મંદિરના ધાર્મિક તથા સામાજિક મહત્વ અંગે પણ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. સાથે જ તેમની જીવનશૈલી, આચાર-વિચાર અને વ્યક્તિગત બાબતો અંગે પણ સવાલો પૂછાયા હોવાની માહિતી છે.

18 ઉમેદવારોમાં વહીવટી સેવા, પોલીસ, સૈન્ય તેમજ મોટા મંદિરોના સંચાલનનો અનુભવ ધરાવતા અધિકારીઓનો સમાવેશ હોવાનું જાણવા મળ્યું છે.

ઇન્ટરવ્યુ માટે આવેલા ઉમેદવારોએ રામલલ્લાના દર્શન કર્યા હતા અને મંદિર પરિસરની વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. ટ્રસ્ટના અધિકારીઓએ તેમને મંદિરની કામગીરી અંગે જરૂરી માહિતી આપી હતી.

CEOની પસંદગીમાં વહીવટી કૌશલ્ય, ભીડ સંચાલન, નાણાકીય પારદર્શિતા અને મંદિરના ભવિષ્યના વિકાસનું વિઝન મહત્વના માપદંડ બની શકે છે. હવે અંતિમ પસંદગી પર સૌની નજર છે.

Leave a Comment

और पढ़ें