ઘુમા બાદ હવે ઝુંડાલ-વૈષ્ણોદેવી બ્રિજ નજીક દીપડો જોવા મળ્યાનો દાવો; વન વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ
અમદાવાદ: શહેરમાં ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયા બાદ હવે ચાંદખેડા નજીક એસ.પી. રિંગ રોડ પર પણ દીપડો જોવા મળ્યાનો દાવો થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. રાત્રે આશરે 2 વાગ્યે ઝુંડાલથી વૈષ્ણોદેવી બ્રિજ નજીક માધવ હોમ્સ સામે દીપડો દેખાયો હોવાની માહિતી સામે આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, નજીકના એક કેફેના માલિકે દીપડો દેખાતાં તેનો ફોટો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો અને તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.
વન વિભાગે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી સંભવિત હિલચાલ ધરાવતા વિસ્તારોમાં ચેકિંગ શરૂ કર્યું છે. સાથે જ આસપાસના રહેવાસીઓને સાવચેતી રાખવા અને કોઈ જંગલી પ્રાણી દેખાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાની હાજરી અંગે વન વિભાગ તમામ પાસાઓની તપાસ કરી રહ્યું છે અને વિસ્તાર પર સતત નજર રાખી રહ્યું છે.









