સરા ચોકડી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત; ટ્રક ચાલક સામે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી
હળવદ: હળવદ નજીક સરા ચોકડી પાસે ટ્રકની અડફેટે બાઈક આવી જતાં પિતા-પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 8 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મૂળ નર્મદા જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના રાણેકપર ગામે મજૂરી કામ કરતા સંજયભાઈ ચંદુભાઈ ભીલ (ઉ.વ. 38) પોતાના પુત્ર કલ્પેશ (ઉ.વ. 8) સાથે બાઈક નંબર GJ-23-BH-6469 પર જઈ રહ્યા હતા.
તે દરમિયાન સરા ચોકડી પાસે આવેલી ક્રોસ રોડ હોટલ નજીક GJ-12-BZ-9082 નંબરના ટ્રકના ચાલકે બાઈકને ટક્કર મારતાં બંને રસ્તા પર પટકાયા હતા. અકસ્માતમાં પિતાને ઈજાઓ પહોંચી હતી, જ્યારે બાળકને ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળક કલ્પેશે અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનાથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે.
મૃતક બાળકના પિતા સંજયભાઈ ભીલની ફરિયાદના આધારે હળવદ તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે.









