વાંકાનેર લૂંટકાંડનો ગણતરીના કલાકોમાં ભેદ: ત્રણ બાળ કિશોર ઝડપાયા, ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો

વાંકાનેર: વાંકાનેર શહેરમાં સિનિયર સિટિઝનને નિશાન બનાવી ધોળે દિવસે લૂંટ ચલાવનાર ત્રણ બાળ કિશોરોને વાંકાનેર સિટી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ચોરાઉ બાઈક, રોકડ અને મોબાઈલ સહિત રૂ. 68 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

20 જુલાઈએ મોરબીના રહેવાસી 79 વર્ષીય હરીલાલ વિડજા પાસેથી થેલાની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી રેન્જ આઈજી ચિરાગ કોરડીયા, એસપી મુકેશ પટેલ અને ડીવાયએસપી એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સિટી પોલીસે સીસીટીવી, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

તપાસમાં ખુલ્યું કે આરોપીઓએ લૂંટમાં વપરાયેલી બાઈક ભાવનગર જિલ્લાના ગારિયાધાર વિસ્તારથી ચોરી કરી હતી. તેઓ શહેરમાં વૃદ્ધો અને વેપારીઓની રેકી કરીને સુમસામ સ્થળોએ લૂંટ ચલાવતા હતા.

પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારી હકીકત સામે આવી છે. ઝડપાયેલા ત્રણેય બાળ કિશોરો અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. એક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયેલ છે, જ્યારે અન્ય બે સામે રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુના નોંધાયેલા છે.

હાલ પોલીસે ત્રણેય બાળ કિશોરોને કસ્ટડીમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें