નવી દિલ્હી: દેશમાં માર્ગ અકસ્માતો અને વીમા વગર દોડતા વાહનોની વધતી સંખ્યાને લઈને સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સૂચન કર્યું છે કે વીમા વગરના વાહનો સામે ઓટોમેટિક ઈ-ચલણ ફટકારવામાં આવે અને ભવિષ્યમાં આવા વાહનોને પેટ્રોલ-ડીઝલ ન આપવાની વ્યવસ્થા અંગે કેન્દ્ર સરકાર અને સંબંધિત એજન્સીઓ વિચાર કરે.
જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ પ્રશાંતકુમાર મિશ્રની બેન્ચે નોંધ્યું કે દેશમાં નોંધાયેલા 30.48 કરોડ વાહનોમાંથી આશરે 16.54 કરોડ વાહનો (56 ટકા) પાસે માન્ય થર્ડ પાર્ટી વીમો નથી. કોર્ટે કહ્યું કે આ સ્થિતિ માર્ગ અકસ્માતના પીડિતોને સમયસર વળતર મળવામાં સૌથી મોટો અવરોધ બની રહી છે.
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો અને ટ્રાફિક પોલીસને ANPR કેમેરા, વાહન પોર્ટલ અને ઈન્શ્યોરન્સ ડેટાબેઝને એકીકૃત કરીને વીમા વગરના વાહનોને ઓળખી ઈ-ચલણ જારી કરવાની વ્યવસ્થા વિકસાવવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ ટ્રાફિક પોલીસને વીમાની સ્થિતિ ચકાસી શકે તેવા ડિજિટલ સાધનો ઉપલબ્ધ કરાવવા પણ કહ્યું છે.
કોર્ટે IRDAI અને માર્ગ પરિવહન મંત્રાલયને વીમા સ્ટેટસને ફ્યુઅલ સપ્લાય સાથે જોડવા માટે પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરવાનો પણ નિર્દેશ આપ્યો છે, જેથી માન્ય વીમા વગરના વાહનોને પેટ્રોલ અથવા ડીઝલ ન મળે.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે નવી કાર માટે થર્ડ પાર્ટી વીમાની ફરજિયાત મુદત 3 વર્ષથી વધારી 4 વર્ષ અને નવા દ્વિચક્રી વાહનો માટે 5 વર્ષથી વધારી 6 વર્ષ કરવાની સૂચના આપી છે. કોર્ટે IRDAIને આ નિર્ણયનો તાત્કાલિક અમલ કરવા જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું છે.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે ફરજિયાત વીમાનો હેતુ માત્ર કાનૂની જોગવાઈનું પાલન કરાવવાનો નથી, પરંતુ માર્ગ અકસ્માતના પીડિતોને ઝડપથી અને યોગ્ય વળતર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.








