હીટ શિલ્ડથી સજ્જ મિસાઈલ; પાકિસ્તાન ઉપરાંત ચીન સુધી પહોંચી શકે છે મારક ક્ષમતા
નવી દિલ્હી: ભારતે ઓડિશાના ચાંદીપુરથી અગ્નિ-4 મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ દ્વારા કરવામાં આવેલા આ પરીક્ષણથી ભારતની વ્યૂહાત્મક સંરક્ષણ ક્ષમતામાં વધુ વધારો થયો છે.
અગ્નિ-4ની આશરે 4,000 કિમી સુધીની રેન્જ છે. આ ક્ષમતાને કારણે પાકિસ્તાન ઉપરાંત ચીનના મોટા ભાગના વિસ્તારો સુધી ભારતની પ્રહાર ક્ષમતા પહોંચી શકે છે.
મિસાઈલ સોલિડ પ્રોપેલન્ટ આધારિત છે અને આશરે 1,000 કિલો સુધીનો પેલોડ વહન કરી શકે છે. તેને મોબાઈલ લોન્ચરથી વિવિધ સ્થળોએથી પણ પ્રક્ષેપિત કરી શકાય છે.
અગ્નિ-4માં રી-એન્ટ્રી હીટ શિલ્ડ લગાવવામાં આવી છે, જે વાયુમંડળમાં પુનઃપ્રવેશ દરમિયાન અત્યંત ઊંચા તાપમાન સામે મિસાઈલને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
અગ્નિ-4નું સફળ પરીક્ષણ ભારતની વ્યૂહાત્મક પ્રતિરોધક ક્ષમતાને વધુ મજબૂત બનાવનાર મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.








