1 ઓગસ્ટથી નવા નિયમો અમલમાં; ડીલરો 400 ટનથી વધુ ખાંડનો જથ્થો રાખી શકશે નહીં
નવી દિલ્હી: તહેવારોની સિઝન પહેલાં ખાંડના વધતા ભાવ પર નિયંત્રણ લાવવા અને સંગ્રહખોરી રોકવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 1 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધી દેશમાં કોઈપણ ડીલર 400 ટનથી વધુ ખાંડનો સ્ટોક રાખી શકશે નહીં. આ નિયમ હેઠળ વેપારીઓએ 1 ઓગસ્ટ સુધીમાં વધારાનો જથ્થો ઘટાડવાનો રહેશે.
કેન્દ્રના ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ હેઠળ ગેઝેટ નોટિફિકેશન જાહેર કરીને આ નિર્ણય અમલમાં મૂક્યો છે. નવા નિયમો મુજબ ડીલરોએ ખાંડ પ્રાપ્ત થયાની તારીખથી 30 દિવસની અંદર તેનું વેચાણ કરવું ફરજિયાત રહેશે.
સરકારના જણાવ્યા અનુસાર તાજેતરમાં ખાંડના એક્સ-મિલ ભાવમાં થયેલો વધારો માંગ અને પુરવઠાની વાસ્તવિક સ્થિતિ સાથે સુસંગત નથી. સંગ્રહખોરી, અટકળબાજી અને પેપર ટ્રેડિંગ જેવી પ્રવૃત્તિઓના કારણે બજારમાં કૃત્રિમ અછત સર્જાઈ રહી હોવાનું સરકારનું માનવું છે.
ગ્રાહકોના હિતોની રક્ષા, બજારમાં પૂરતો પુરવઠો જળવાઈ રહે અને તહેવારો દરમિયાન ભાવમાં અનાવશ્યક વધારો ન થાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે અગાઉ ખાંડની નિકાસ પર પણ નિયંત્રણ મૂક્યું છે.
જોકે, સરકારી સ્ટોક અને રાજ્ય સરકાર દ્વારા અધિકૃત કરવામાં આવેલા ડીલરોને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. સરકારને આશા છે કે આ નિર્ણયથી ખાંડના ભાવ સ્થિર રહેશે અને ગ્રાહકોને યોગ્ય કિંમતે પૂરતો પુરવઠો ઉપલબ્ધ થશે.









