શેખ હસીનાની વર્ચ્યુઅલ બેઠકમાં જોડાયા બાદ મગુરા સ્થિત નિવાસસ્થાન નિશાન બન્યું; પોલીસનો કડક બંદોબસ્ત
ઢાકા: બાંગ્લાદેશના પૂર્વ ક્રિકેટ કેપ્ટન અને અવામી લીગના ભૂતપૂર્વ સાંસદ શાકિબ અલ હસનના મગુરા સ્થિત નિવાસસ્થાન પર અજાણ્યા ટોળાએ હુમલો કર્યો છે. હુમલાખોરોએ ઘરની બારીઓના કાચ તોડી નાખ્યા અને આગચંપી કરવાનો પ્રયાસ કરતાં વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ હુમલો રાત્રે 8:45થી 9:00 વાગ્યાની વચ્ચે થયો હતો. હુમલાખોરોએ પથ્થરમારો કર્યા બાદ પેટ્રોલ ભરેલી બોટલો વડે ઘર સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઘટના સમયે મકાન ખાલી હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હુમલો એવા સમયે થયો જ્યારે શાકિબ અલ હસન પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની વર્ચ્યુઅલ બેઠકમાં જોડાયા હતા. શેખ હસીનાએ લગભગ બે વર્ષ બાદ ઓનલાઈન માધ્યમથી પોતાના સમર્થકોને સંબોધન કર્યું હતું.
હાલ શાકિબ અલ હસન શ્રીલંકામાં હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે. હુમલાખોરોની ઓળખ અને હુમલાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.









