જિલ્લામાં હજુ માત્ર 37% વરસાદ; રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે કલેક્ટરની વીડિયો કોન્ફરન્સ, SDRF ટીમ શાપરમાં તૈનાત
રાજકોટ: રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા કલેક્ટર ડૉ. ઓમપ્રકાશે તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરીને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપી છે.
કલેક્ટરે જણાવ્યું કે ચાલુ ચોમાસામાં રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી માત્ર 37 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં આવેલા ડેમોમાં હાલ સરેરાશ 35 ટકા જળસંગ્રહ ઉપલબ્ધ છે, જ્યારે કુલ ડેમોમાંથી આશરે 27 ટકા ડેમોમાં નોંધપાત્ર પાણીનો જથ્થો છે.
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રેવન્યુ, સિંચાઈ, માર્ગ અને મકાન, મહાનગરપાલિકા, પીજીવીસીએલ તથા પોલીસ વિભાગના કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત કરવામાં આવ્યા છે. ઉપરાંત, સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપી બચાવ કામગીરી માટે SDRFની ટીમ શાપર ખાતે તૈનાત કરવામાં આવી છે.
તંત્રે આજી, ભાદર, ન્યારી, મોજ સહિતના ડેમોના નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ટાળવા તેમજ હવામાન વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા લોકોને અપીલ કરી છે.








