સુરક્ષા સાથે માનવતાની કામગીરી; ચેઇન પુલિંગના 28 કેસમાં 18ની ધરપકડ, રેલવે સંપત્તિ ચોરીમાં 2 આરોપી ઝડપાયા
રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા ઓગસ્ટ મહિનામાં સુરક્ષા સાથે મુસાફર સેવા અને જનજાગૃતિની કામગીરીને પણ પ્રાથમિકતા આપવામાં આવી હતી. ‘સેવા હી સંકલ્પ’ અંતર્ગત 1થી 31 ઓગસ્ટ દરમિયાન RPF દ્વારા હાથ ધરાયેલી વિવિધ કામગીરીમાં મુસાફરોને મદદ કરવાની સાથે રેલવે સંપત્તિની સુરક્ષા અને રેલ વ્યવહારને અસર કરતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
‘ઓપરેશન અમાનત’માં લાખોની વસ્તુઓ પરત
મુસાફરો ટ્રેન કે સ્ટેશન પર ભૂલી ગયેલા સામાનને સુરક્ષિત રીતે તેના માલિક સુધી પહોંચાડવા માટે ચલાવવામાં આવતા ‘ઓપરેશન અમાનત’ હેઠળ RPFએ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. ઓગસ્ટ દરમિયાન 28 મુસાફરોનો કુલ રૂ.2,59,215નો સામાન શોધી કાઢી સુરક્ષિત રીતે પરત કરવામાં આવ્યો હતો.
વિખૂટા પડેલા 6 લોકો ફરી પરિવારને મળ્યા
RPFની માનવતાવાદી કામગીરીમાં પણ નોંધપાત્ર સફળતા મળી હતી. ‘ઓપરેશન નન્હે ફરીશ્તે’ હેઠળ એક બાળકને સુરક્ષિત રીતે તેના પરિવારજનોને સોંપવામાં આવ્યું.
જ્યારે ‘ઓપરેશન ડિગ્નિટિ’ હેઠળ પરિવારથી વિખૂટા પડેલા 5 લોકોને તેમના પરિજનો સાથે મિલન કરાવવામાં આવ્યું. આમ, ઓગસ્ટ દરમિયાન કુલ 6 લોકોને તેમના પરિવાર સુધી પહોંચાડવામાં RPF સફળ રહી.
ચેઇન પુલિંગ કરનારાઓ સામે કડક પગલાં
ટ્રેનના સમયપત્રક અને સુચારુ સંચાલનમાં અડચણ ઊભી કરતી અનધિકૃત ચેઇન પુલિંગ સામે ‘ઓપરેશન સમય પાલન’ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકોટ ડિવિઝનમાં ઓગસ્ટ દરમિયાન ચેઇન પુલિંગના 28 કેસ નોંધાયા, જેમાં 18 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા. આરોપીઓ સામે રેલવે એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
રેલવે સંપત્તિ ચોરનાર 2 આરોપી ઝડપાયા
‘ઓપરેશન રેલ સુરક્ષા’ હેઠળ RPFએ રેલવે સંપત્તિ ચોરીના એક કેસમાં 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બંને સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
‘ઓપરેશન જનજાગરણ’થી મુસાફરોને સાવચેત કરાયા
રેલવે સુરક્ષા અંગે લોકોમાં જાગૃતિ લાવવા ‘ઓપરેશન જનજાગરણ’ હેઠળ રાજકોટ ડિવિઝનની વિવિધ RPF પોસ્ટ અને ચોકીઓ દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
બેનર, પોસ્ટર અને પબ્લિક એનાઉન્સમેન્ટ દ્વારા મુસાફરોને રેલવે ટ્રેક ક્રોસ ન કરવા, ચાલુ ટ્રેન પર પથ્થરમારો ન કરવા, નશાથી દૂર રહેવા, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી જેવા મુદ્દાઓ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગામના સરપંચો અને આગેવાનો સાથે બેઠકો યોજીને પણ રેલવે સુરક્ષા અંગે સમજ આપવામાં આવી હતી.
DRMએ કામગીરીને બિરદાવી
રાજકોટ ડિવિઝનના DRM ગિરીરાજ કુમાર મીનાએ RPFની કામગીરીને સરાહતા જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષા અને સુવિધા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ‘સેવા હી સંકલ્પ’ની ભાવના સાથે RPF દ્વારા સુરક્ષા, મુસાફર સહાય અને જનજાગૃતિ માટે કરવામાં આવતા પ્રયાસો પ્રશંસનીય છે. સુરક્ષિત અને સુગમ રેલ મુસાફરી માટે આવા પ્રયાસો સતત ચાલુ રહેશે.








