ગાંધીનગર/વલસાડ: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અનેક વિસ્તારોમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામમાં 24 કલાકમાં 36 ઇંચ વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો છે. કપરાડામાં 29 ઇંચ, નાના પોંઢામાં 26 ઇંચ અને ધરમપુરમાં 20 ઇંચ વરસાદ નોંધાતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
અસામાન્ય વરસાદને કારણે ઔરંગા નદી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે, જ્યારે અનેક નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. ભારે વરસાદને પગલે અનેક શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે વધારાની બચાવ ટીમો તૈનાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ઉચ્ચ અધિકારીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે હવામાન વિભાગે દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ યથાવત રાખ્યું છે.









