SHIELD બિલમાં વાલીની મંજૂરી ફરજિયાત; ડેટા ટ્રેકિંગ અને પર્સનલાઈઝ્ડ જાહેરાતો પર રોક
નવી દિલ્હી: બાળકોને સોશિયલ મીડિયા અને ઓનલાઈન જોખમોથી બચાવવા BJP સાંસદ બૈજયંત ‘જય’ પાંડા દ્વારા SHIELD બિલ, 2025 તૈયાર કરવામાં આવ્યું છે. બિલમાં 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વાલીની વેરિફાઈડ સંમતિ વગર સોશિયલ મીડિયા અથવા ઓનલાઈન ગેમિંગ એકાઉન્ટ બનાવવાની મંજૂરી ન આપવાનો પ્રસ્તાવ છે.
બિલ હેઠળ ટેક કંપનીઓને બાળકોના ઓનલાઈન વર્તનનું ટ્રેકિંગ, પ્રોફાઈલિંગ અને પર્સનલાઈઝ્ડ જાહેરાતો માટે તેમના ડેટાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરવામાં આવી છે.
પ્લેટફોર્મ્સ માટે એજ વેરિફિકેશન સિસ્ટમ અને પેરેન્ટલ ડેશબોર્ડ ફરજિયાત કરવાની દરખાસ્ત છે. વાલીઓ બાળકોની પ્રાઈવસી સેટિંગ્સ અને સ્ક્રીન ટાઈમ મેનેજ કરી શકશે. બાળકોનો ડેટા એકાઉન્ટ બંધ થયા બાદ 90 દિવસમાં ડિલીટ કરવાનો પણ પ્રસ્તાવ છે.
નિયમોનો ભંગ કરનારી ટેક કંપનીઓ પર રૂ.10 કરોડ સુધીનો દંડ અને ગંભીર કિસ્સામાં ભારતમાં પ્લેટફોર્મ બ્લોક કરવાની જોગવાઈ સૂચવાઈ છે.
આ ઉપરાંત, બૈજયંત પાંડા દ્વારા AI ડીપફેક સામે અલગ બિલ પણ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. તેમાં સંમતિ વગર ચહેરા, અવાજ કે ઓળખનો ઉપયોગ કરીને ડીપફેક બનાવવાના અને ફેલાવવાના કિસ્સામાં કડક સજાની જોગવાઈ છે.









