SEBIના ચર્ચાપત્રમાં વ્યક્તિગત રોકાણકારો અને બ્રોકર્સ માટે નવા માપદંડ સૂચવાયા
મુંબઈ: શેરબજારમાં રિટેલ રોકાણકારો અને ડે-ટ્રેડિંગમાં વધતી સક્રિયતા વચ્ચે SEBIએ નવા નિયમો માટે ચર્ચાપત્ર જાહેર કર્યું છે. તેમાં રોકાણકારો અને ટ્રેડર્સ માટે ઉંમર, નાણાકીય ક્ષમતા તથા બ્રોકર્સ માટે સુરક્ષા વ્યવસ્થાના નવા માપદંડ સૂચવાયા છે.
પ્રસ્તાવ મુજબ વ્યક્તિગત રોકાણકારની લઘુતમ ઉંમર 21 વર્ષ અને શૈક્ષણિક લાયકાત ધોરણ-12 પાસ રાખવાની ભલામણ છે. સાથે ઓછામાં ઓછી રૂ.5 લાખની નાણાકીય સંપત્તિ હોવી જરૂરી બનાવવાનો પ્રસ્તાવ છે.
શેરબ્રોકર સાથે જોડાયેલા રોકાણકારે રૂ.1 લાખની ડિપોઝિટ રાખવી પડશે. કંપનીઓ માટે ઓછામાં ઓછી રૂ.25 લાખની નેટવર્થનો પ્રસ્તાવ મૂકાયો છે.
બ્રોકરેજ ઓફિસોમાં CCTV, બાયોમેટ્રિક ચકાસણી, જિયો-રેટિંગ અને સુરક્ષિત ડેટા સ્ટોરેજ જેવી વ્યવસ્થાઓ ફરજિયાત કરવાની ભલામણ પણ કરવામાં આવી છે.
નવા નિયમોનો હેતુ અનધિકૃત ટ્રેડિંગ અને રોકાણકારોના નાણાંના દુરુપયોગને રોકવાનો છે. જોકે, બજારના નિષ્ણાતોના મતે આ નિયમોથી નાના-મધ્યમ બ્રોકર્સનો ઓપરેશનલ ખર્ચ વધી શકે છે.
SEBI દ્વારા ચર્ચાપત્ર પર સૂચનો મંગાવવામાં આવ્યા છે, ત્યારબાદ અંતિમ નિયમો અંગે નિર્ણય લેવામાં આવશે.








