ભારતમાં ખાંડના ભાવ અને ઉપલબ્ધતાને લઈને તંગી સર્જાઈ છે ત્યારે પાકિસ્તાનની સુગર મિલોએ ભારતને ખાંડ વેચવાની તૈયારી દર્શાવી છે. પાકિસ્તાન સુગર મિલ એસોસિએશનના જણાવ્યા મુજબ પાકિસ્તાનની મિલો પાસે 21.8 લાખ ટન ખાંડનો વધારાનો સ્ટોક પડ્યો છે.
મિલોમાં મોટી માત્રામાં ખાંડનો જથ્થો જમા થઈ જતાં તેમનાં નાણાં પણ અટવાઈ ગયા છે. આવી સ્થિતિમાં જો પાકિસ્તાન સરકાર ભારતને ખાંડની નિકાસ કરવાની મંજૂરી આપે તો સ્થાનિક સુગર મિલોને મોટો આર્થિક ફાયદો થઈ શકે છે.
પાકિસ્તાન સુગર મિલ એસોસિએશનનો દાવો છે કે અન્ય દેશોની સરખામણીએ પાકિસ્તાનથી ભારત સુધી ખાંડ પહોંચાડવાનો પરિવહન ખર્ચ ઓછો આવી શકે છે. તેથી ભારત પાકિસ્તાન માટે ખાંડના વધારાના સ્ટોકને ખપાવવા માટે નજીકનું અને મોટું બજાર બની શકે છે.
જોકે, પાકિસ્તાન સરકાર મંજૂરી આપે તો પણ ભારત તરફથી પાકિસ્તાન પાસેથી ખાંડ ખરીદવામાં આવશે કે નહીં તે મોટો પ્રશ્ન છે. બંને દેશો વચ્ચે હાલ દ્વિપક્ષીય વેપાર બંધ છે અને પાકિસ્તાનમાંથી ભારતમાં સામાન્ય આયાત થતી નથી.
પાકિસ્તાનમાં ખાંડનો ઘરેલું વપરાશ દર મહિને આશરે 5.50 લાખ ટન છે. તેની સામે 21.8 લાખ ટનનો જંગી સ્ટોક ઉપલબ્ધ હોવાથી પાકિસ્તાની સુગર મિલો વધારાનો જથ્થો નિકાસ કરીને નાણાકીય ભાર ઘટાડવા માંગે છે. ભારત સાથેનો વેપાર ફરી શરૂ થાય તો આ મિલોને મોટી રાહત મળી શકે છે.









