લશ્કર-એ-તોઇબાના સિનિયર કમાન્ડર કારી સૈયદ અબ્દુલ અઝીઝનું મસ્જિદ બહાર મોત
ઇસ્લામાબાદ: મુંબઈના 26/11 આતંકી હુમલા સહિત અનેક કાવતરામાં સંડોવાયેલા હોવાના આરોપી કારી સૈયદ અબ્દુલ અઝીઝનું પાકિસ્તાનમાં રહસ્યમય સંજોગોમાં મોત થયું હોવાના અહેવાલ છે.
અહેવાલ મુજબ, ઇસ્લામાબાદમાં મસ્જિદ તરફ જતા અબ્દુલ અઝીઝે અજાણી વ્યક્તિ પાસેથી ખાદ્ય વસ્તુ લીધી હતી. મસ્જિદના ગેટ પાસે પહોંચતા જ તે અચાનક ઢળી પડ્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અબ્દુલ અઝીઝ લશ્કર-એ-તોઇબાના સિનિયર કમાન્ડર તરીકે સંગઠનમાં મહત્વની જવાબદારી સંભાળતો હોવાનો દાવો છે. જમ્મુ-કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકવાદીઓના પરિવારો સાથે સંપર્ક અને તેમને આર્થિક મદદ પહોંચાડવાનું કામ પણ તે કરતો હોવાની માહિતી સામે આવી છે.
તેના અચાનક મોતથી ભારતીય ગુપ્તચર એજન્સીઓનું ધ્યાન પણ આ ઘટનાએ ખેંચ્યું છે. પ્રાથમિક અહેવાલોમાં ઝેરી પદાર્થના કારણે મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જોકે મોતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
તાજેતરમાં લશ્કર-એ-તોઇબા સાથે જોડાયેલા સૂત્રોએ સંગઠનના કેટલાક સભ્યોના ભેદી મોત અંગે ભારત પર આક્ષેપો કર્યા હતા.








