પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોમાં વધુ એક કાર્યવાહી; હાર્દિક પટેલ સહિત 17 સામેનો ગુનો પરત
અમદાવાદ: ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલ સામે નોંધાયેલા કેસો પરત ખેંચવાની પ્રક્રિયા વચ્ચે હવે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વધુ એક કેસ પણ પરત ખેંચવામાં આવ્યો છે.
આ કેસમાં હાર્દિક પટેલ સહિત કુલ 17 લોકો સામે પરવાનગી વિના રેલી અને જાહેર સભા યોજવાના આરોપસર ગુનો નોંધાયો હતો. રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ કેસ પરત ખેંચવાની અરજી કરતા તેને મંજૂરી મળ્યા બાદ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પાટીદાર આંદોલન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાર્દિક પટેલ અને તેમના સાથીદારો સામે અનેક ગુનાઓ નોંધાયા હતા. છેલ્લા કેટલાક સમયથી આવા કેસો તબક્કાવાર પરત ખેંચવાની પ્રક્રિયા ચાલુ છે.
રામોલ કેસ પરત ખેંચાતા હાર્દિક પટેલ સામેના વધુ એક જૂના કેસનો અંત આવ્યો છે, જ્યારે અન્ય નોંધાયેલા કેસોને લઈને પણ આગામી સમયમાં નિર્ણય લેવાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.








