ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ-2024ની વિજેતા નિકિતાની મિસ વર્લ્ડ માટે કડક તૈયારી; ‘માટી’ પ્રોજેક્ટ સાથે વૈશ્વિક મંચ પર ઉતરશે
નવી દિલ્હી: ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ-2024નો ખિતાબ જીતનાર નિકિતા પોરવાલ હવે મિસ વર્લ્ડ 2026ના વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા તૈયાર છે. નિકિતાના જણાવ્યા મુજબ, મિસ વર્લ્ડની તૈયારી માત્ર ગ્લેમર અને રેમ્પ વોક પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેના માટે શિસ્ત, મહેનત અને સતત અભ્યાસ જરૂરી છે.
નિકિતાએ જણાવ્યું કે એક સમયે સવારે વહેલા ઉઠવામાં આળસ કરતી તે આજે દેશનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારીને ધ્યાનમાં રાખીને વહેલી સવારે ઉઠીને મેકઅપ, ફિટનેસ અને ટ્રેનિંગ શરૂ કરે છે. તેની દિનચર્યામાં વોકિંગ અને ફિટનેસ સાથે વિવિધ દેશોની સંસ્કૃતિ તથા અનેક વિષયોનો અભ્યાસ પણ સામેલ છે.
મધ્યપ્રદેશમાંથી મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતનાર નિકિતાએ પોતાની સફળતાનો શ્રેય ખાસ કરીને માતાના અતૂટ વિશ્વાસને આપ્યો છે. નિષ્ફળતાની શંકા કે આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવતી વખતે માતાએ હંમેશા તેને પ્રોત્સાહન આપ્યું હોવાનું તેણે જણાવ્યું હતું.
નિકિતા પ્રિયંકા ચોપરા અને ઐશ્વર્યા રાય બચ્ચનને પોતાની મોટી પ્રેરણા માને છે. પ્રિયંકા ચોપરા પાસેથી સતત આગળ વધવાની પ્રેરણા મળે છે, જ્યારે ઐશ્વર્યા રાય પાસેથી વૈશ્વિક મંચ પર પહોંચ્યા બાદ પણ ભારતીય સંસ્કૃતિ અને પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવાનું શીખવા મળ્યું હોવાનું નિકિતાએ જણાવ્યું છે.
ગ્લેમરની દુનિયા સિવાય નિકિતાને કવિતા લખવાનો અને પરિવાર સાથે સમય પસાર કરવાનો પણ શોખ છે. મિસ વર્લ્ડ સ્પર્ધામાં તે પોતાના ‘બ્યુટી વિથ એ પર્પઝ’ પ્રોજેક્ટ ‘માટી’ (Maati) સાથે ભાગ લેશે.
‘માટી’ પ્રોજેક્ટ અંતર્ગત નિકિતા આદિવાસી વિસ્તારોની મહિલાઓ અને બાળકો માટે શિક્ષણ, આરોગ્ય અને આજીવિકાના ક્ષેત્રે કામ કરી રહી છે. આ વિસ્તારોમાં પ્રતિભા હોવા છતાં યોગ્ય તકોનો અભાવ હોવાનો અનુભવ થયા બાદ તેણે આ પહેલ શરૂ કરી હોવાનું જણાવ્યું છે.
નિકિતા માટે મિસ વર્લ્ડ તેની સફરનું અંતિમ લક્ષ્ય નથી. થિયેટરનો અભ્યાસ કરી ચૂકેલી નિકિતા ભવિષ્યમાં અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઈચ્છા ધરાવે છે. તેણે બોલિવૂડમાં સારી ભૂમિકાઓ કરવાની સાથે દક્ષિણ ભારતીય સિનેમાના અભિનેતા કિચ્ચા સુદીપ સાથે કામ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.








