લોન વસૂલાતમાં મનમાની બંધ! RBIના નવા નિયમો 1 જાન્યુઆરીથી લાગુ

રિકવરી એજન્ટોની ધમકી-હેરાનગતિ પર કડક લગામ; ગેરવર્તણૂક બદલ બેંક પણ જવાબદાર

નવી દિલ્હી: લોન વસૂલાત દરમિયાન ગ્રાહકોને થતી હેરાનગતિ રોકવા RBIએ કડક નિયમો જાહેર કર્યા છે. નવા નિયમો 1 જાન્યુઆરી 2027થી દેશની તમામ બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે ફરજિયાત થશે.

નવા નિયમો હેઠળ રિકવરી એજન્ટો ગ્રાહકને ધમકી, અપમાન કે માનસિક દબાણ કરી શકશે નહીં. સોશિયલ મીડિયા પર બદનામ કરવું, પરિવાર-મિત્રોને ફોન કરીને દબાણ કરવું કે અસભ્ય ભાષાનો ઉપયોગ કરવો પણ પ્રતિબંધિત રહેશે. એજન્ટની ગેરવર્તણૂક માટે બેંક પણ જવાબદાર ગણાશે.

EMI બાકી હોય તો સામાન્ય રીતે ગ્રાહકનો મોબાઈલ, લેપટોપ કે ટેબ્લેટ બ્લોક કરી શકાશે નહીં. ચોક્કસ ગેજેટની ખરીદી માટે લેવાયેલી લોનના કેસમાં પણ નિયત પ્રક્રિયા જરૂરી રહેશે અને ઇમરજન્સી SOS, SMS તથા ઇનકમિંગ કોલ જેવી સેવાઓ બંધ કરી શકાશે નહીં.

રિકવરી એજન્ટો ગ્રાહકનો સંપર્ક સવારે 8થી સાંજે 7 વાગ્યા સુધી જ કરી શકશે. ઘરે એજન્ટ મોકલતા પહેલાં બેંકે ઓછામાં ઓછા 24 કલાક અગાઉ જાણ કરવી પડશે.

બેંકોને તમામ રિકવરી કોલ્સનું રેકોર્ડિંગ રાખીને ઓછામાં ઓછા 6 મહિના સુધી સાચવવું પડશે. એજન્ટે મુલાકાત વખતે ID કાર્ડ અને બેંકનો સત્તાવાર પત્ર સાથે રાખવો ફરજિયાત રહેશે.

ગ્રાહકોની ફરિયાદોના ઝડપી ઉકેલ માટે બેંકોને અલગ ગ્રીવન્સ રેડ્રેસલ સિસ્ટમ પણ બનાવવી પડશે. RBIના આ નિર્ણયથી લોન વસૂલાત પ્રક્રિયામાં ગ્રાહકોના અધિકારો વધુ મજબૂત બનશે.

Leave a Comment

और पढ़ें