ગુજરાતમાં આવતીકાલથી મેઘસવારીનો નવો રાઉન્ડ: 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમની અસર; દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જેવી સ્થિતિ, 31 જુલાઈએ ભારે વરસાદની સંભાવના

અમદાવાદ: બંગાળની ખાડીમાં સર્જાયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમની અસરથી ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વ્યાપક વરસાદ પડશે, જ્યારે 31 જુલાઈએ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ ડીપ ડિપ્રેશન ઉત્તર ઓડિશા, ઝારખંડ અને છત્તીસગઢ તરફ આગળ વધી રહ્યું છે અને તેની અસર પશ્ચિમ ભારત સુધી પહોંચશે. તેના કારણે ગુજરાત ઉપરાંત કોંકણ-ગોવા, મધ્યપ્રદેશ અને મરાઠવાડામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં આવતીકાલથી વરસાદનું જોર વધવાની શક્યતા છે. ત્યારબાદ 31 જુલાઈએ છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે.

આ ઉપરાંત આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન વ્યાપક વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગે નદી-નાળાં કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

Leave a Comment

और पढ़ें