કોલકતાના મધ્ય વિસ્તારમાં આવેલી મીર્ઝા ગાલિબ સ્ટ્રીટની એક હોટેલમાં મધરાત બાદ અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં 9 લોકો જીવતા સળગી જવાથી અને ગૂંગળાઈ જવાથી મોતને ભેટ્યા છે. જ્યારે અન્ય 6 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકો તમામ બાંગ્લાદેશી નાગરિકો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, આ તમામ લોકો તબીબી સારવાર માટે ભારત આવ્યા હતા અને કોલકતાની આ હોટેલમાં રોકાયા હતા. રાત્રે લગભગ 1 વાગ્યા બાદ હોટેલમાં આગ લાગતાં થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
આગની લપેટમાં ફસાયેલા કેટલાક લોકોના ગૂંગળાઈ જવાથી મોત થયા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ગંભીર રીતે દાઝેલા 6 લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાને પગલે હોટેલની ફાયર સેફ્ટી વ્યવસ્થા, ફાયર એલાર્મ સિસ્ટમ અને ઈમરજન્સી એક્ઝિટ સહિતની સુવિધાઓની તપાસ શરૂ કરવામાં આવી છે. હોટેલમાં આગ કેવી રીતે લાગી અને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ બેદરકારી હતી કે નહીં તે અંગે તપાસ હાથ ધરાઈ છે.
ઉલ્લેખનીય છે કે સોમવારે તારાપીઠમાં પણ આગની ઘટનામાં મેઘાલયના એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. તેના માત્ર બે દિવસમાં કોલકતામાં બનેલી આ બીજી મોટી આગની ઘટનાએ સસ્તી હોટેલોમાં ફાયર સેફ્ટીના નિયમોના પાલન સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.








