છોટા હાથીમાં ભયાનક બ્લાસ્ટ : બે સગા ભાઈઓ અને બે માસૂમ બાળકોનાં મોત
કચ્છના નખત્રાણા નજીક કોટડા જડોદર પાસે આવેલા ભાગણવાડા (ભંગારવાડા)માં છોટા હાથી વાહનમાં અચાનક પ્રચંડ વિસ્ફોટ થતાં ભારે ચકચાર મચી ગઈ હતી. વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ આ ગોઝારી ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોનાં મોત થયા છે. મૃતકોમાં બે સગા ભાઈઓ અને તેમના આશરે ત્રણ વર્ષના બે માસૂમ બાળકોનો સમાવેશ થાય છે.
મૃતકોની ઓળખ
- કુંભાર મામદ ઈલિયાસ (30)
- કુંભાર નૂરમામદ ઈલિયાસ (26)
- કુંભાર હસનેન મામદ (આશરે 3 વર્ષ)
- નૂર ફાતિમા નૂરમામદ (આશરે 3 વર્ષ)
બે ભાઈઓ અને બે માસૂમ બાળકોનાં એકસાથે મોતથી કુંભાર પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સમગ્ર વિસ્તારમાં કરુણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
વિસ્ફોટનું કારણ જાણવા FSLની તપાસ
ઘટનાની જાણ થતાં નખત્રાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. છોટા હાથીમાં ડીઝલ ટેન્ક ઉપરાંત કોઈ કેમિકલ, ગેસ સિલિન્ડર કે અન્ય જ્વલનશીલ પદાર્થ હતો કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે.
વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણવા FSLની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.
હાલ સમગ્ર મામલે પોલીસ અને FSLની તપાસ ચાલી રહી છે અને રિપોર્ટ બાદ જ આ ભયાનક બ્લાસ્ટનું ચોક્કસ કારણ બહાર આવશે.








