ચમોલીમાં નિર્માણાધીન ટનલમાં મોટી દુર્ઘટનાઃ કાટમાળ અને પાણી ઘૂસતાં 9 મજૂરોના મોત

ચમોલીના પીપલકોટી નજીક વિષ્ણુગાડ-પીપલકોટી જળવિદ્યુત પ્રોજેક્ટની નિર્માણાધીન ટનલમાં અચાનક કાટમાળ અને પાણી ઘૂસી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ટનલમાં કામ કરી રહેલા આશરે 28 મજૂરો ફસાયા હતા. જેમાંથી 19 મજૂરોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે, જ્યારે 9 મજૂરોના મોત થયાની માહિતી સામે આવી છે. કેટલાક મજૂરો હજુ લાપતા હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં NDRF, SDRF, ITBP, પોલીસ સહિતની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. રેસ્ક્યૂ કરાયેલા મજૂરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મજૂરોના જણાવ્યા મુજબ, ટનલમાં કાટમાળ અને પાણીનો પ્રવાહ આવતાં ઓક્સિજનનું સ્તર ઘટી ગયું હતું. જેના કારણે મજૂરોને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલી પડી હતી. એક મજૂરે જણાવ્યું કે તે કમર સુધી કાદવમાં ફસાઈ ગયો હતો અને ભારે મુશ્કેલીથી બહાર નીકળી પોતાનો જીવ બચાવ્યો હતો.

ચમોલીના એસપી સુરજીત સિંહ પવારે જણાવ્યું કે સાંજે 6:30થી 6:45 વાગ્યાની વચ્ચે પીપલકોટીમાં નિર્માણાધીન ટનલમાં અંદાજે 1.8 કિમી અંદરથી કાટમાળ અને પાણીનો પ્રવાહ આવ્યો હતો. જેના કારણે ત્યાં કામ કરતા મજૂરો ફસાયા હતા. હાલ SDRF અને NDRFની ટીમો સતત બચાવ કામગીરીમાં લાગી છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું કે પીપલકોટી નજીક બિરહી નદી પર બની રહેલી ટનલમાં કામ કરતા મજૂરો અચાનક આવેલા કાદવ અને કાટમાળના પ્રવાહમાં ફસાયા હતા. અત્યાર સુધીમાં 19 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને અંદર ફસાયેલા અન્ય મજૂરોની શોધખોળ અને બચાવ કામગીરી ચાલુ છે.

Leave a Comment

और पढ़ें