ગિરનારમાં 1.5 ઇંચ, વિસાવદર અને તળાજામાં નોંધપાત્ર વરસાદ; ખેતી માટે સારા વરસાદની અપેક્ષા યથાવત
રાજકોટ: સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. ગિરનાર પર્વત પર દોઢ ઇંચ, વિસાવદરમાં સવા ઇંચ અને ભાવનગર જિલ્લાના તળાજામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. જોકે, ખેડૂતો હજુ વ્યાપક અને સતત વરસાદના નવા રાઉન્ડની રાહ જોઈ રહ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં ગિરનાર સહિત મોટાભાગના તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. વિસાવદરમાં સૌથી વધુ 35 મીમી વરસાદ પડ્યો, જ્યારે જૂનાગઢ, વંથલી, માણાવદર, કેશોદ, મેંદરડા અને માળીયા હાટીનામાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. ભેસાણ તાલુકો વરસાદથી વંચિત રહ્યો હતો.
ભાવનગર જિલ્લામાં તળાજામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ગારિયાધાર, સિહોર, પાલીતાણા અને ભાવનગર શહેરમાં છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા. જામનગર જિલ્લામાં પણ જોડીયા, વાંસજળિયા, વસઈ, સમાણા અને અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો.
સતત વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ વરસાદ હજુ પણ મર્યાદિત વિસ્તારોમાં જ કેન્દ્રિત રહેતા ખેડૂતોમાં ચિંતા યથાવત છે. વાવણીને પંદર દિવસથી વધુ સમય વીતી ગયો હોવાથી હવે પાકના વિકાસ માટે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારા અને સતત વરસાદની જરૂરિયાત અનુભવાઈ રહી છે.








