લાલ સમુદ્રમાં ભારતીય જહાજ પર હુમલો: જહાજ ડૂબ્યું, 13 ભારતીય સહિત તમામ 14 ખલાસીઓનો સુરક્ષિત બચાવ

યમન કિનારે મિસાઈલ હુમલાથી માલવાહક જહાજ સમુદ્રમાં સમાયું; ભારતનો કડક વિરોધ, યમન કોસ્ટ ગાર્ડની ઝડપી કાર્યવાહી

નવી દિલ્હી: લાલ સમુદ્રમાં યમનના કિનારા નજીક ભારતીય ધ્વજ ધરાવતા માલવાહક જહાજ ‘MSV ફેઝ નૂરે ઓલિયા’ પર થયેલા મિસાઈલ હુમલા બાદ જહાજ ડૂબી ગયું હતું. જોકે, યમન કોસ્ટ ગાર્ડે સમયસર બચાવ અભિયાન ચલાવી 13 ભારતીય સહિત તમામ 14 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

જહાજમાં 13 ભારતીય અને એક વિદેશી નાગરિક સવાર હતા. તમામને સલામત રીતે મોખા બંદર પહોંચાડવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય બંદર અને જહાજ પરિવહન મંત્રી સરબાનંદ સોનોવાલે જણાવ્યું છે. તેમણે ભારતીય ખલાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે DGMAને જરૂરી પગલાં લેવા સૂચના આપી છે.

ભારતના વિદેશ મંત્રાલયે આ હુમલાની કડક નિંદા કરતાં નિર્દોષ નાગરિક જહાજોને નિશાન બનાવવાની ઘટનાને ગંભીર ગણાવી છે. રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસ યમનની સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે અને સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે.

લાલ સમુદ્ર અને બાબ અલ-મંદેબ સામુદ્રધુની વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વનો માર્ગ હોવાથી આ વિસ્તારમાં વધતા હુમલાઓને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધુ ગાઢ બની રહી છે.

Leave a Comment

और पढ़ें