ભારત કરશે પ્રથમ મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની, સ્થળ અને તારીખ જાહેર

14થી 28 ફેબ્રુઆરી 2027 સુધી ટુર્નામેન્ટ યોજાશે; મુંબઈ અને વડોદરામાં તમામ મેચો રમાશે

નવી દિલ્હી: મહિલા ક્રિકેટ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ICC દ્વારા પ્રથમ મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી 2027ના આયોજનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. છ ટીમોની આ ઐતિહાસિક ટુર્નામેન્ટનું આયોજન ભારતમાં 14થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન કરવામાં આવશે.

ટુર્નામેન્ટની તમામ મેચો મુંબઈના ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા (CCI) અને વડોદરાના વડોદરા ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ સાથે ભારત પ્રથમ મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરશે.

શ્રીલંકાથી ભારત ખસેડાઈ ટુર્નામેન્ટ

ICC મુજબ મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન અગાઉ શ્રીલંકામાં થવાનું હતું, પરંતુ શ્રીલંકા ક્રિકેટના વહીવટમાં સરકારી દખલગીરીને લઈને ઊભી થયેલી પરિસ્થિતિને કારણે ટુર્નામેન્ટને શ્રીલંકાની બહાર ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

યજમાન પસંદગી માટે ICC દ્વારા બાંગ્લાદેશ, ભારત અને દક્ષિણ આફ્રિકાના દાવેદારીનો તેમના યજમાન મૂલ્યાંકન માપદંડો અનુસાર અભ્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતને વૈકલ્પિક યજમાન તરીકે ભલામણ કરવામાં આવી હતી. ICC બોર્ડે 1 સપ્ટેમ્બરના રોજ આ નિર્ણયને મંજૂરી આપી હતી.

મહિલા ક્રિકેટ માટે નવો અધ્યાય : જય શાહ

ICCના ચેરમેન જય શાહે જણાવ્યું હતું કે મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી 2027 મહિલા ક્રિકેટ માટે એક નવા અને રોમાંચક અધ્યાયની શરૂઆત કરશે.

તેમણે કહ્યું કે પ્રથમ વખત યોજાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં વિશ્વની શ્રેષ્ઠ ટીમો વચ્ચે ઉચ્ચ સ્તરની સ્પર્ધા જોવા મળશે. આ ટુર્નામેન્ટ ખેલાડીઓને રેન્કિંગમાં આગળ વધવા અને વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ મજબૂત કરવાની વધુ તક આપશે.

જય શાહે વધુમાં જણાવ્યું કે હવે દર વર્ષે એક મોટી ICC મહિલા ટુર્નામેન્ટ યોજાવાની હોવાથી મહિલા ક્રિકેટને વધુ ગતિ, સતત સ્પર્ધા અને વિશ્વભરના ચાહકો સાથે વધુ મજબૂત જોડાણ બનાવવાની મોટી તક મળશે.

ભારતમાં યોજાનારી આ ઐતિહાસિક ટુર્નામેન્ટથી મહિલા ક્રિકેટને વધુ પ્રોત્સાહન મળશે અને મુંબઈ તથા વડોદરાના ક્રિકેટપ્રેમીઓ માટે પણ વિશ્વસ્તરીય મેચોનું આયોજન ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે.

Leave a Comment

और पढ़ें