બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમની અસરથી ચોમાસું ફરી જોર પકડશે; દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા
અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે હવે ચોમાસું ફરી સક્રિય બનવાના સંકેતો વચ્ચે હવામાન વિભાગે આગામી 26થી 28 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમના પ્રભાવથી રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન અનેક જિલ્લાઓમાં 2થી 7 ઈંચ સુધી વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હાલના સપ્તાહ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદનો ક્રમ યથાવત રહેવાની શક્યતા છે, પરંતુ સપ્તાહના અંતમાં વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે.
આજે પણ રાજકોટ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં સવારથી તડકો-છાંયડાનો માહોલ રહ્યો હતો અને ક્યાંક ક્યાંક હળવા છાંટા પડ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સવારે 8:30 વાગ્યે રાજકોટનું મહત્તમ તાપમાન 27.6 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે લઘુત્તમ તાપમાન 23.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 87 ટકા અને પવનની સરેરાશ ગતિ 8 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી.
હવામાન વિભાગે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા તેમજ સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.









