આસામમાં પૂરનો કહેર યથાવત: 24 કલાકમાં 21ના મોત, મૃત્યુઆંક 31 પર પહોંચ્યો

16 જિલ્લામાં 5.64 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત; શિવસાગરમાં સૌથી વધુ તબાહી

ગૌહાટી: આસામમાં સતત વરસાદ બાદ પૂરનું સંકટ વધુ વિકરાળ બન્યું છે. છેલ્લા 24 કલાકમાં પૂર સંબંધિત વિવિધ ઘટનાઓમાં 21 લોકોના મોત થતાં ચાલુ વર્ષે પૂરથી મૃત્યુઆંક વધીને 31 પર પહોંચી ગયો છે.

અસમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ, રાજ્યના 16 જિલ્લાઓમાં 5.64 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. અનેક ગામો પાણીમાં ગરકાવ થતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

સૌથી વધુ અસર શિવસાગર જિલ્લામાં જોવા મળી છે, જ્યાં 13 લોકોના મોત થયા છે અને 3.59 લાખથી વધુ લોકો પૂરથી ઘેરાયા છે. આ ઉપરાંત જોરહાટમાં 87 હજાર અને ચરાઈદેવમાં 72 હજારથી વધુ લોકો પૂરનો સામનો કરી રહ્યા છે.

પૂરના કારણે રાજ્યના 44 રેવન્યુ સર્કલ હેઠળ આવેલા 872 ગામો પાણીમાં ડૂબી ગયા છે. અસરગ્રસ્તો માટે સરકાર દ્વારા 71 રાહત શિબિરો અને 202 રાહત વિતરણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું છે કે તેઓ પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લઈને બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરશે તેમજ અસરગ્રસ્ત લોકોને ઝડપથી મદદ પહોંચાડવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें