રાજકોટ: શહેરના હુડકો ચોકડી નજીક આવેલા રામ પાર્ક વિસ્તારમાં આજે એક સોફા બનાવવાના કારખાનામાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાં આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
મળતી માહિતી મુજબ, ઉત્તમ સોફા ફેક્ટરીમાં આગ ભભૂકી ઊઠી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી શરૂ કરી હતી. ફાયર કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગને અન્ય વિસ્તારોમાં ફેલાતી અટકાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
સદનસીબે પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે ફેક્ટરીમાં રહેલા ફર્નિચર, કાચો માલ અને અન્ય સામગ્રીને નુકસાન થયું હોવાની શક્યતા છે.
પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને આગથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.









