EET Retailના નેટવર્કમાં 117 નવા સ્ટેશન ઉમેરાશે: કુલ સંખ્યા વધીને 235 થશે
નવી દિલ્હી: ભારતીય એસ્સાર ગ્રુપે યુકેના ફ્યુઅલ રિટેલ માર્કેટમાં મોટું વિસ્તરણ કરવાની તૈયારી કરી છે. ગ્રુપની રિટેલ કંપની EET Retailએ યુકેના ફોરકોર્ટ ઓપરેટર SGN Retailને હસ્તગત કરવા માટે કરાર કર્યો છે. ઉદ્યોગના સૂત્રો મુજબ આ સોદાની કિંમત આશરે 400 મિલિયન પાઉન્ડ એટલે કે રૂ.5,166 કરોડ છે.
સોદો પૂર્ણ થયા બાદ EET Retailના નેટવર્કમાં 118 પેટ્રોલ પંપ ઉમેરાશે. હાલમાં કંપની યુકેમાં 117 સાઇટ્સનું સંચાલન કરે છે અને નવા સ્ટેશનો સાથે આ સંખ્યા વધીને 235 થઈ જશે. આ સાથે કંપની યુકેના ફ્યુઅલ રિટેલ ક્ષેત્રમાં બીજી સૌથી મોટી ફોરકોર્ટ ઓપરેટર બનવાની દિશામાં આગળ વધશે.
SGN Retailની સ્થાપના ગ્રેહામ પીકોક અને સુઝાન ટોબેલે કરી હતી. EET Retail દ્વારા કંપનીમાં 100 ટકા હિસ્સો હસ્તગત કરવામાં આવશે. અધિગ્રહણ બાદ EET Retailનું વાર્ષિક ઇંધણ વેચાણ 650 મિલિયન લિટરથી વધુ થવાની અપેક્ષા છે.
2031 સુધીમાં 800 પેટ્રોલ પંપનું લક્ષ્ય
એસ્સારનું લક્ષ્ય માત્ર આ અધિગ્રહણ પૂરતું નથી. કંપનીએ 2031 સુધીમાં યુકેમાં પોતાના નેટવર્કને 800 પેટ્રોલ પંપ સુધી વિસ્તારવાની યોજના બનાવી છે. કંપનીનો ઉદ્દેશ્ય આ નેટવર્કના માધ્યમથી યુકેના ફ્યુઅલ રિટેલ માર્કેટમાં આશરે 9 ટકા હિસ્સો મેળવવાનો છે.
યુકે જેવા વિકસિત અને સ્પર્ધાત્મક બજારમાં ભારતીય કંપનીનું આટલું મોટું અધિગ્રહણ વૈશ્વિક સ્તરે ભારતીય કોર્પોરેટ ક્ષેત્રના વધતા પ્રભાવને દર્શાવે છે. એસ્સારનું આ વિસ્તરણ વિદેશમાં ભારતીય કંપનીઓના બિઝનેસ નેટવર્કને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની શકે છે.









