દેશની સૌથી મોટી કલ્યાણકારી યોજના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના (NFSA)માં ચોંકાવનારી ગેરરીતિ સામે આવી છે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે સરકાર દ્વારા આપવામાં આવતા મફત રાશનનો લાભ મોટી સંખ્યામાં અપાત્ર લોકો પણ લઈ રહ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. કેન્દ્ર સરકારની ડેટા આધારિત તપાસમાં દેશભરમાં 2.44 કરોડ અપાત્ર લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી છે, જેમને હવે યોજનામાંથી દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
આ કાર્યવાહીથી સરકારને ચાલુ નાણાકીય વર્ષમાં અંદાજે રૂ.5,800 કરોડની બચત થઈ શકે છે. સરકાર એક વ્યક્તિને દર મહિને સરેરાશ રૂ.200નું રાશન આપે છે, એટલે કે વર્ષ દરમિયાન વ્યક્તિ દીઠ રૂ.2,400ની સબસીડી આપવામાં આવે છે. 2.44 કરોડ અપાત્ર લોકોને દૂર કરવામાં આવે તો વાર્ષિક આશરે રૂ.5,856 કરોડની ખાદ્ય સબસીડી બચી શકે છે.
4.5 કરોડ લોકોના ડેટાની થઈ તપાસ
ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે શંકાસ્પદ જણાયેલા આશરે 4.5 કરોડ રાશન લાભાર્થીઓના ડેટાની તપાસ કરી હતી. ઇનકમ ટેક્સ, GST નેટવર્ક, કોર્પોરેટ બાબતોના મંત્રાલય અને પરિવહન વિભાગના ડેટાબેઝ સાથે વિગતોનું ક્રોસ-વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન મોટી સંખ્યામાં એવા લોકો મળી આવ્યા જેઓ નિયમ મુજબ મફત રાશન મેળવવા માટે પાત્ર નહોતા.
સરકાર હવે અપાત્ર લાભાર્થીઓની યાદી સંબંધિત રાજ્ય સરકારોને મોકલી રહી છે. રાજ્યો દ્વારા સ્થાનિક સ્તરે ચકાસણી કર્યા બાદ અંતિમ રીતે અપાત્ર ઠરનારા લોકોના રાશન કાર્ડ રદ કરવામાં આવશે. સરકારનું માનવું છે કે આથી રાશન કોટામાં જગ્યા ખાલી થશે અને વાસ્તવિક જરૂરિયાતમંદ પરિવારોને યોજનાનો લાભ આપી શકાશે.
તપાસમાં સામે આવેલા ચોંકાવનારા આંકડા
56,22,619 ઇનકમ ટેક્સ ભરનારા લોકો રાશન યોજનાના લાભાર્થી હતા, જ્યારે 7,21,343 GST રજીસ્ટર્ડ લોકો પણ મફત રાશન મેળવી રહ્યા હતા. આ ઉપરાંત 2,42,313 કંપની ડિરેક્ટર્સ અને 2,76,544 સરકારી કર્મચારીઓ પણ લાભાર્થી તરીકે નોંધાયેલા હતા.
તપાસમાં 10,77,631 લોકો પાસે બે અલગ રાશન કાર્ડ, જ્યારે 3,01,978 લોકોની ઉંમર 100 વર્ષથી વધુ હોવાનું સામે આવ્યું છે. 1.58 કરોડથી વધુ લોકો મહિનાઓથી રાશન લઈ રહ્યા નહોતા, છતાં તેઓ લાભાર્થીની યાદીમાં હતા. ઉપરાંત 18 વર્ષથી ઓછી ઉંમરના 1,13,094 લોકો અને ચાર પૈડાંવાળા વાહનો ધરાવતા 2,07,970 લોકો પણ યાદીમાં મળી આવ્યા છે.
હાલ કેન્દ્ર સરકાર NFSA હેઠળ દેશભરમાં આશરે 78 કરોડ લોકોને મફત રાશન આપી રહી છે. અપાત્ર લાભાર્થીઓને દૂર કરવાથી માત્ર સરકારી ખર્ચમાં બચત નહીં થાય, પરંતુ લાંબા સમયથી રાશન માટે રાહ જોઈ રહેલા વાસ્તવિક ગરીબ પરિવારો માટે પણ યોજનામાં વધુ જગ્યા ઉપલબ્ધ થશે.









