વિધાનસભામાં હાજરી આપવી ફરજિયાત; ગાંધીનગર છોડવા અને મીડિયા સાથે વાતચીત કરવા પર કોર્ટની રોક
અમદાવાદ: દેડિયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજરી આપવા માટે હાઈકોર્ટે તેમને 7 દિવસના શરતી હંગામી જામીન મંજૂર કર્યા છે. ચૈતર વસાવાએ વિધાનસભામાં પોતાના મતવિસ્તારના પ્રજાકીય પ્રશ્નો રજૂ કરવા માટે હંગામી જામીનની માંગ કરી હતી.
હાઈકોર્ટે જામીન મંજૂર કરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ શરતો પણ નક્કી કરી છે. જામીનના સમયગાળા દરમિયાન ચૈતર વસાવા ગાંધીનગરની હદ છોડીને બહાર જઈ શકશે નહીં. સાથે જ તેમણે વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજરી આપવાની રહેશે.
મીડિયા સમક્ષ નિવેદન આપવા પર પણ રોક
કોર્ટે ચૈતર વસાવાને જામીન દરમિયાન મીડિયા સાથે વાતચીત નહીં કરવા તેમજ કોઈપણ પ્રકારનું જાહેર નિવેદન નહીં આપવા પણ નિર્દેશ આપ્યો છે. આમ, સાત દિવસ દરમિયાન તેમને કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી તમામ શરતોનું પાલન કરવું પડશે.
2023ના જમીન વિવાદ બાદ નોંધાયો હતો કેસ
ચૈતર વસાવા સામેનો આ કેસ વર્ષ 2023માં નર્મદા જિલ્લાના બોગાજ ગામ નજીકના જમીન વિવાદ બાદ નોંધાયો હતો. વન વિભાગની સરકારી જમીન પર સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલા અતિક્રમણ અને ત્યાંના પાકને હટાવવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો.
આ મામલે વન વિભાગના કર્મચારીઓને ચર્ચા માટે દેડિયાપાડા ખાતે પોતાના નિવાસસ્થાને બોલાવવામાં આવ્યા હોવાનો આરોપ છે. ફરિયાદ મુજબ, ચર્ચા દરમિયાન બોલાચાલી ઉગ્ર બની હતી અને ચૈતર વસાવા તથા તેમના સાથીઓ દ્વારા વનકર્મીઓ સાથે મારપીટ કરવામાં આવી હતી.
ફરિયાદમાં સરકારી કર્મચારીઓને ધમકાવવા માટે હવામાં ફાયરિંગ અને ખંડણીની માગણીના પણ આરોપો મૂકવામાં આવ્યા હતા. આ બાદ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ, આર્મ્સ એક્ટ અને ખંડણી સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયો હતો.
સેશન્સ કોર્ટે 7 વર્ષની સજા કરી હતી
આ કેસમાં 23 જૂન 2026ના રોજ રાજપીપળાની એડિશનલ સેશન્સ કોર્ટે ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા.
કોર્ટે તમામ દોષિતોને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. સાથે જ આરોપીઓની ભૂમિકા અનુસાર રૂ.25 હજારથી રૂ.96 હજાર સુધીનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
હવે વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજરી માટે હાઈકોર્ટ દ્વારા 7 દિવસના હંગામી જામીન મળતાં ચૈતર વસાવાને આ કેસમાં મહત્વપૂર્ણ કાનૂની રાહત મળી છે.









