પુતિન-શી જિનપિંગ સહિત વૈશ્વિક નેતાઓનું આગમન; ભારત મંડપમથી 11 હોટેલ સુધી NSGનું સુરક્ષા કવચ
નવી દિલ્હી: તા. 12 અને 13ના રોજ દિલ્હીમાં યોજાનારા બ્રિકસ શિખર સંમેલનને લઈને પાટનગરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. વૈશ્વિક નેતાઓના આગમનને ધ્યાનમાં રાખીને દિલ્હી જાણે સુરક્ષાના અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયું છે. સંમેલન સ્થળ ભારત મંડપમથી લઈને મહાનુભાવો રોકાવાના હોટેલ અને એરપોર્ટ સુધી સુરક્ષા એજન્સીઓ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત બ્રિકસ દેશોના અનેક રાષ્ટ્રવડા દિલ્હીમાં પહોંચવાના હોવાથી સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર છે. સંમેલન સ્થળ અને મહાનુભાવોના રોકાણના સ્થળોની સુરક્ષાની મુખ્ય જવાબદારી નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ને સોંપવામાં આવી છે.
‘ઓપરેશન બ્રિકસ કવચ’ હેઠળ સુરક્ષા
ભારત મંડપમ તેમજ વિદેશી મહાનુભાવો રોકાવાના 11 હોટેલને હાઈ-સિક્યુરિટી ઝોનમાં મૂકવામાં આવ્યા છે. તાજ હોટેલ, ITC મૌર્ય, લી મેરિડિયન, ક્લેરિઅન્સ અને ધ અશોકા સહિતની હોટેલોમાં સુરક્ષાના વિશેષ પગલાં લેવામાં આવ્યા છે.
આ સમગ્ર વ્યવસ્થાને ‘ઓપરેશન બ્રિકસ કવચ’ હેઠળ ગોઠવવામાં આવી છે. ગઈકાલે સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી માટે આશરે ત્રણ કલાકની મોકડ્રીલ પણ યોજાઈ હતી. તેમાં 100 NSG કમાન્ડો સહિત સુરક્ષા કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વાહનો જોડાયા હતા.
જવાહરલાલ નેહરુ સ્ટેડિયમથી ભારત મંડપમ અને આર્મી પોલો ગ્રાઉન્ડ સુધીના મહત્વના માર્ગો પર પણ સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે. NSG ઉપરાંત દિલ્હી પોલીસ, કેન્દ્રીય સુરક્ષા દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.
આકાશની સુરક્ષા હવાઈદળના હવાલે
વિદેશી રાષ્ટ્રવડાઓની સુરક્ષા ટીમો પણ દિલ્હી પહોંચી ગઈ છે. તમામ એજન્સીઓ વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે અલગ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. મહાનુભાવોના વાહનો, સંદેશાવ્યવહાર અને આવાગમન માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
દિલ્હીના એરપોર્ટ પર વધારાની સુરક્ષા ગોઠવવામાં આવી છે, જ્યારે આકાશી સુરક્ષાની જવાબદારી ભારતીય હવાઈદળને સોંપવામાં આવી છે. સંમેલન દરમિયાન મહત્વના માર્ગો અને વિસ્તારોમાં ટ્રાફિક તથા સુરક્ષા વ્યવસ્થા પણ કડક રહેશે.
સાત વર્ષ બાદ શી જિનપિંગ ભારત આવશે
બ્રિકસ સંમેલન દરમિયાન દિલ્હી વૈશ્વિક ડિપ્લોમસીનું કેન્દ્ર બનશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ભારત આવી રહ્યા છે. ભારત અને ચીન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોની વચ્ચે શી જિનપિંગનું સાત વર્ષ બાદ ભારત આગમન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પુતિન અને શી જિનપિંગની મુલાકાત ઉપરાંત અન્ય દ્વિપક્ષીય બેઠકો પણ યોજાવાની છે. વેપાર સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. હૈદરાબાદ હાઉસ અને રાષ્ટ્રપતિ ભવન ખાતે પણ દ્વિપક્ષીય બેઠકો તથા ભોજન સમારોહ માટે તૈયારીઓ કરવામાં આવી છે.
બ્રિકસની મુખ્ય બેઠક પહેલાં 12થી 16 સપ્ટેમ્બર દરમિયાન આમંત્રિત દેશોના પ્રતિનિધિઓની વિવિધ ઔપચારિક બેઠકો પણ દિલ્હીમાં શરૂ થશે.








