હોર્મુઝ જળમાર્ગ સંપૂર્ણ ખોલવાનો દાવો, ચીન અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં દખલ કરી રહ્યું હોવાનો પણ આક્ષેપ
વોશિંગ્ટનઃ ઈરાન સામે અમેરિકાના હુમલા વધુ તેજ બન્યા છે ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધના અંત અંગે મોટો દાવો કર્યો છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ નવેમ્બરમાં યોજાનારી અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી બાદ એટલે કે નવેમ્બરના અંત સુધીમાં અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થઈ શકે છે.
ટ્રમ્પે દાવો કર્યો છે કે આગામી બે મહિનામાં વૈશ્વિક વેપાર વ્યવસ્થા ફરી સામાન્ય બની શકે છે. ખાસ કરીને ક્રૂડ ઓઈલ સહિતની ચીજવસ્તુઓનો આંતરરાષ્ટ્રીય વેપાર ફરી ધમધમતો થશે અને હોર્મુઝ જળમાર્ગ પણ સંપૂર્ણપણે ખોલવામાં આવશે. જોકે, ત્યાં સુધી અમેરિકા અને ઈરાન વચ્ચેના હુમલા ચાલુ રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.
આર્થિક નાકાબંધીથી ઈરાન પર દબાણ
ટ્રમ્પે કહ્યું કે ઈરાન પર અમેરિકાએ વ્યાપક આર્થિક નાકાબંધી લાદી છે. તેના કારણે ઈરાનની આર્થિક સ્થિતિ પર ભારે દબાણ વધી રહ્યું છે અને આગામી સમયમાં દેશની જનતા માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે. ટ્રમ્પના મતે વધતા આર્થિક દબાણને કારણે ઈરાન અંતે યુદ્ધ સમાપ્ત કરવા માટે તૈયાર થઈ શકે છે.
ચીન પર ચૂંટણીમાં દખલનો આરોપ
ટ્રમ્પે ચીન પર અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં દખલ કરવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ ચીન એવા અમેરિકન નેતાઓને ચૂંટણીમાં મદદ કરવા માગે છે, જેઓ ઈરાન સામે કડક કાર્યવાહીનો વિરોધ કરે છે.
ટ્રમ્પે વધુમાં કહ્યું કે કેટલાક દેશો ઈરાન સામેનું દબાણ ઘટાડવા માગે છે, જેથી ઈરાનને અણુશસ્ત્રો વિકસાવવાની તક મળી શકે. જોકે, અમેરિકા ઈરાનને અણુશસ્ત્રો વિકસાવવાની મંજૂરી આપશે નહીં. હોર્મુઝ જળમાર્ગમાં પણ અમેરિકાએ દબાણ વધાર્યું હોવાનું ટ્રમ્પે જણાવ્યું છે.








