બ્રિક્સ સમિટ પહેલાં મોદી-પુતિનની મુલાકાત, વેપારથી લઈને સંરક્ષણ સુધીના મુદ્દે થશે ચર્ચા

નવી દિલ્હી: નવી દિલ્હીમાં 12 અને 13 સપ્ટેમ્બરે યોજાનારી બ્રિક્સ શિખર પરિષદના એક દિવસ પહેલાં શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે વેપાર, આર્થિક સહયોગ અને સંરક્ષણ ક્ષેત્ર સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે મોદી અને પુતિન વચ્ચે ગાઢ અને વ્યવહારુ સંબંધો છે. પશ્ચિમી દેશોના પ્રતિબંધોની વચ્ચે બંને નેતાઓ સંવેદનશીલ મુદ્દાઓ પર રચનાત્મક ચર્ચા કરશે. ભારત અને રશિયા વચ્ચેના આર્થિક તથા સૈન્ય સહયોગને વધુ મજબૂત બનાવવાના મુદ્દા પણ બેઠકમાં મહત્વના રહેશે.

S-400 અને Su-57 અંગે પણ ચર્ચા

રશિયા ભારતને S-400 એર ડિફેન્સ સિસ્ટમની સમયસર ડિલિવરી માટે પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત અત્યાધુનિક Su-57 ફાઇટર એરક્રાફ્ટની ટેક્નોલોજી ટ્રાન્સફર અને સંયુક્ત ઉત્પાદન અંગે પણ બંને દેશો વચ્ચે ચર્ચા થવાની શક્યતા છે.

પેસ્કોવે જણાવ્યું કે રશિયા બ્રિક્સ દેશો સાથે લગભગ 90 ટકા વેપાર રાષ્ટ્રીય કરન્સીમાં કરે છે. અમેરિકી ડોલર પરની નિર્ભરતા ઘટાડવાનો નિર્ણય કોઈ રાજકીય વિરોધ નહીં પરંતુ રશિયાના આર્થિક હિત સાથે જોડાયેલો હોવાનું તેમણે જણાવ્યું હતું.

યુક્રેન મુદ્દે ભારતના વલણનું સ્વાગત

યુક્રેન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે રશિયાએ ભારતના શાંતિપૂર્ણ વલણનું સ્વાગત કર્યું છે. યુક્રેન યુદ્ધને લઈને વાટાઘાટો ફરી શરૂ કરવાના ભારત અને અમેરિકાના પ્રયાસોને પણ રશિયાએ આવકાર્યા છે.

આ ઉપરાંત, રશિયન સેનામાં સામેલ થયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે વહેલી તકે ભારત પરત મોકલવા માટે પણ રશિયન સરકાર પ્રયાસ કરી રહી છે. આ મામલે ભારત સાથે સતત સંપર્ક જાળવી રાખવામાં આવી રહ્યો હોવાની રશિયાએ ખાતરી આપી છે.

Leave a Comment

और पढ़ें