બેન્ક ઓફ બરોડાએ મોટા ડિફોલ્ટરોના ₹35,715 કરોડ માંડવાળ કર્યા!

RTIમાં મોટો ખુલાસો : ₹9,946 કરોડની વસૂલાતનો દાવો, પરંતુ બાકીદારોના નામ જાહેર કરવામાં આવ્યા નહીં

સરકારી બેન્કોના NPA અને મોટા ડિફોલ્ટરોનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. બેન્ક ઓફ બરોડા દ્વારા ₹100 કરોડ કે તેથી વધુની બાકી રકમ ધરાવતા ખાતાઓમાંથી વર્ષ 2020-21થી 2025-26 દરમિયાન કુલ ₹35,715 કરોડ માંડવાળ કરવામાં આવ્યા હોવાની માહિતી RTIના જવાબમાં સામે આવી છે.

બેન્કે માહિતી અધિકાર હેઠળ પૂછાયેલા સવાલના જવાબમાં માંડવાળની રકમની પુષ્ટિ કરી છે. સાથે બેન્કે આ સમયગાળા દરમિયાન ₹9,946 કરોડની રકમ રિકવર કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે.

= મોટા બાકીદારોની વિગતો આપવાનો ઇનકાર

RTIમાં બેન્કને કયા બાકીદારની કેટલી રકમ માંડવાળ કરવામાં આવી તેની વિગતો પણ પૂછવામાં આવી હતી. જોકે બેન્કે મોટા ડિફોલ્ટરોના નામ અને વ્યક્તિગત બાકી રકમ જાહેર કરવાનો ઇનકાર કર્યો હોવાનું સામે આવ્યું છે.

આથી ₹35 હજાર કરોડથી વધુની રકમ માંડવાળ થવા છતાં આ રકમ કયા-કયા મોટા બાકીદારો સાથે સંકળાયેલી હતી તે અંગે સ્પષ્ટતા થઈ શકી નથી.

= RTI એક્ટિવિસ્ટે માંગી હતી માહિતી

સોશિયલ મીડિયા પર શેર થયેલી માહિતી અનુસાર RTI એક્ટિવિસ્ટ વિવેક વેલાનકરે બેન્ક પાસેથી આ વિગતો માંગી હતી. બેન્કના જવાબમાં કુલ માંડવાળ અને વસૂલાતના આંકડા આપવામાં આવ્યા, પરંતુ બાકીદારોની વ્યક્તિગત વિગતો જાહેર કરવામાં આવી નહોતી.

= નાના લોનધારકો સામે કડક કાર્યવાહી, મોટા ડિફોલ્ટરો અંગે ગુપ્તતા?

આ ખુલાસા બાદ બેન્કોની વસૂલાત નીતિ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. નાના ધિરાણધારકો લોન ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે બેન્કો અને રિકવરી એજન્ટો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. કેટલીક સ્થિતિમાં મિલકતની હરાજી સુધીની કાર્યવાહી પણ કરવામાં આવે છે.

પરંતુ બીજી તરફ ₹100 કરોડથી વધુની બાકી રકમ ધરાવતા ખાતાઓમાંથી ₹35,715 કરોડ માંડવાળ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવે અને બાકીદારોના નામ જાહેર ન થાય તો બેન્કિંગ વ્યવસ્થામાં પારદર્શિતાનો મુદ્દો ઊભો થાય છે.

= ₹35 હજાર કરોડથી વધુની રકમ, હવે સવાલ જવાબદારીનો

બેન્કે રિકવરીના પણ મોટા આંકડા આપ્યા છે, પરંતુ સામાન્ય લોકો માટે મુખ્ય સવાલ એ છે કે આટલી મોટી રકમ કોની પાસેથી બાકી હતી અને તેમાં કોની કેટલી રકમ માંડવાળ કરવામાં આવી?

નાના લોનધારકો પાસેથી વસૂલાત માટે કડકાઈ અને મોટા ડિફોલ્ટરોની વિગતો અંગે મૌન—બેન્ક ઓફ બરોડાના આ આંકડાએ હવે બેન્કિંગ ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારી અંગે નવી ચર્ચા જગાવી છે.

Leave a Comment