નવી દિલ્હી: જાપાનમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી એશિયન ગેમ્સ 2026ને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મહત્વનો નિર્ણય લીધો છે. BCCIએ સ્પષ્ટ કર્યું છે કે એશિયન ગેમ્સમાં ભાગ લેનારી ભારતીય પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમો માટે અલગથી હોટેલની વ્યવસ્થા કરવામાં આવશે નહીં.
BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું કે નાગોયામાં ઉચ્ચ શ્રેણીની હોટેલોની અછતને કારણે ભારતીય ક્રિકેટરોના રોકાણને લઈને પ્રશ્નો ઊભા થયા હતા. જોકે, હવે આ મુદ્દાનો ઉકેલ લાવવામાં આવ્યો છે.
આયોજકો જે હોટેલ આપશે ત્યાં જ રોકાશે ટીમ
રાજીવ શુક્લાના જણાવ્યા મુજબ, આયોજકો દ્વારા જે હોટેલની વ્યવસ્થા કરવામાં આવશે, ભારતીય ટીમો ત્યાં જ રોકાશે. ટીમોને ઓસાકા અને ટોક્યોમાં રોકાવાનો વિકલ્પ પણ મળ્યો હતો, પરંતુ બંને શહેર નાગોયાથી ઘણાં દૂર હોવાથી તેને યોગ્ય વિકલ્પ માનવામાં આવ્યો નથી.
તેમણે કહ્યું કે ખેલાડીઓ માટે આપવામાં આવતી હોટેલ ભલે ફાઇવ સ્ટાર ન હોય, પરંતુ તે સારી અને આરામદાયક છે. તેથી ભારતીય પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમોના રોકાણને લઈને હવે કોઈ મોટી સમસ્યા નથી.








