11 સપ્ટેમ્બરથી બેંકોમાં તબક્કાવાર હડતાળની ઘોષણા

5 દિવસનું વર્કિંગ સપ્તાહ અને નવી બોનસ નીતિ સામે 9 બેંક યુનિયનો મેદાનમાં

નવી દિલ્હી: દેશભરના બેંક કર્મચારીઓ અને અધિકારીઓના સંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા સરકાર સામે તબક્કાવાર દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. UFBU સાથે જોડાયેલા નવ મોટા બેંક સંગઠનો આ આંદોલનમાં જોડાશે. હડતાળના કારણે બેંકિંગ સેવાઓ ખોરવાવાની શક્યતા છે.

11 સપ્ટેમ્બરે એક દિવસની હડતાળ

હડતાળના કાર્યક્રમના પ્રથમ તબક્કામાં 11 સપ્ટેમ્બર 2026, શુક્રવારે એક દિવસની હડતાળ યોજાશે. ત્યારબાદ શનિવાર અને રવિવારની રજાઓ હોવાથી કેટલાક વિસ્તારોમાં બેંકિંગ કામગીરી સતત ત્રણથી ચાર દિવસ સુધી પ્રભાવિત થઈ શકે છે.

સરકાર સાથે સમાધાન નહીં થાય તો ત્યારબાદ 28થી 30 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસની હડતાળ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. સપ્ટેમ્બરના અંતમાં બેંકોનું છમાસિક ક્લોઝિંગ હોવાથી આ સમયગાળામાં હડતાળથી ગ્રાહકો અને વેપારીઓની મુશ્કેલી વધી શકે છે.

5 દિવસનું કામકાજ કરવાની માંગ

બેંક કર્મચારીઓની મુખ્ય માંગ અઠવાડિયામાં પાંચ દિવસ બેંકિંગ કામગીરી કરવાની છે. આ ઉપરાંત નવી PLI આધારિત બોનસ નીતિ સામે પણ કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

યુનિયનોનો આક્ષેપ છે કે નવી નીતિમાં ઉચ્ચ અધિકારીઓને મોટા પ્રમાણમાં બોનસ મળવાની શક્યતા છે, જ્યારે ક્લાર્ક સહિતના નીચલા સ્તરના કર્મચારીઓને તેની સરખામણીએ ઘણું ઓછું બોનસ મળશે.

બોનસ નીતિમાં ભેદભાવનો આક્ષેપ

યુનિયનોનું કહેવું છે કે વરિષ્ઠ અધિકારીઓને વર્ષના પગારની સરખામણીએ મોટું બોનસ અને સામાન્ય કર્મચારીઓને માત્ર મર્યાદિત બોનસ આપવાની વ્યવસ્થા અન્યાયી છે. આ મુદ્દે લેબર કમિશનર અને દિલ્હી હાઈકોર્ટ સમક્ષ કાર્યવાહી ચાલી રહી હોવાનું પણ જણાવાયું છે.

બેંક યુનિયનોની માંગ છે કે નવી બોનસ નીતિ તાત્કાલિક સ્થગિત કરવામાં આવે અને કર્મચારીઓ સાથે ચર્ચા કરીને સમાન તથા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.

26 ઓક્ટોબરથી અનિશ્ચિત હડતાળની ચીમકી

જો સરકાર દ્વારા માંગણીઓનો ઉકેલ નહીં લાવવામાં આવે તો યુનિયનો દ્વારા 26 ઓક્ટોબર 2026થી અનિશ્ચિત મુદતની હડતાળ પર જવાની ચીમકી આપવામાં આવી છે.

હડતાળ લાંબી ચાલે તો શાખાકીય કામગીરી, ચેક ક્લિયરિંગ સહિતની વિવિધ બેંકિંગ સેવાઓ પર અસર પડવાની શક્યતા છે.

Leave a Comment

और पढ़ें