ચૂંટણી પંચનો યુ-ટર્ન : ફોર્મ-6માંથી SIRની ડિક્લેરેશનની કોલમ દૂર કરાઈ

નવા મતદારો માટે હવે ફોર્મ-6 અને SIRનું ઘોષણાપત્ર અલગથી ભરવું પડશે; ચૂંટણી કમિશનરોના વાંધા બાદ 21 ઓક્ટોબરે નિર્ણય લેવાયો

મતદાર યાદીમાં નવા મતદાર તરીકે નામ નોંધાવવાની પ્રક્રિયામાં ચૂંટણી પંચે મહત્ત્વનો ફેરફાર કર્યો છે. પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સાથે જોડાયેલું ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ-6માંથી અલગ કરી દીધું છે. હવે જે રાજ્યોમાં SIRની પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં પણ નવા મતદારોએ ECINet પોર્ટલ પર ફોર્મ-6 અને SIRનું ઘોષણાપત્ર અલગ-અલગ ભરવાનું રહેશે.

અગાઉ SIR સંબંધિત ડિક્લેરેશન ફોર્મ-6માં જ સામેલ કરવામાં આવ્યું હતું અને નવા મતદારો માટે તેનો જવાબ આપવો ફરજિયાત હતો. જોકે, આ વ્યવસ્થા સામે ચૂંટણી પંચના જ બે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ વાંધો ઉઠાવ્યો હતો. તેમના વાંધા બાદ પંચે આ વ્યવસ્થામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે.

ફોર્મ-6માં ફેરફાર કરવાની સત્તા અંગે સવાલ

ચૂંટણી કમિશનરોએ દલીલ કરી હતી કે ફોર્મ-6નું માળખું મતદાર નોંધણી નિયમો, 1960 હેઠળ નક્કી કરવામાં આવ્યું છે. તેથી તેમાં ફેરફાર કરવાનો અધિકાર ચૂંટણી પંચને નહીં, પરંતુ કેન્દ્ર સરકારને છે. પંચ દ્વારા પોતાના સ્તરે ફોર્મમાં નવો ડિક્લેરેશન વિભાગ ઉમેરવો કાયદાકીય રીતે યોગ્ય નથી, એવો અભિપ્રાય પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ થયા બાદ ચૂંટણી પંચે 21 ઓક્ટોબરે ફોર્મ-6 અને SIRના ઘોષણાપત્રને અલગ કરવાનો નિર્ણય લીધો હતો. પરિણામે હવે નવા મતદારોને મતદાર તરીકે નામ નોંધાવવા માટેનું ફોર્મ અને SIR સંબંધિત ઘોષણા અલગથી ભરવાની રહેશે.

ચૂંટણી પંચની કામગીરીમાં અન્ય ફેરફારો

છેલ્લાં કેટલાંક સપ્તાહમાં ચૂંટણી પંચે પોતાની વહીવટી કામગીરી અને પ્રક્રિયાઓમાં પણ કેટલાક મહત્ત્વના ફેરફારો કર્યા હોવાનું જણાવાયું છે. હવે પંચની બેઠકો યોજાય તે પહેલાં તેનો એજન્ડા શેર કરવાની અને બેઠક પૂર્ણ થયા બાદ તેની વિગતો જાહેર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત, ચૂંટણી પંચના અધિકારીઓના વિદેશ પ્રવાસ માટે અગાઉથી મંજૂરી લેવી ફરજિયાત બનાવવામાં આવી છે. નવા આઇટી સિસ્ટમ અને ECINet પોર્ટલની કામગીરીની તપાસ માટે IIT બોમ્બે અને IISc બેંગલુરુના નિષ્ણાતોની બનેલી સમિતિ દ્વારા ઓડિટ કરાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

BLOને ઘરે જઈ દસ્તાવેજો એકત્ર કરવાની જવાબદારી

નવા સુધારાઓ હેઠળ જમીની સ્તરે કામગીરી કરતા અધિકારીઓની ભૂમિકાને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. દસ્તાવેજોમાં ખામી અથવા વિસંગતતા જોવા મળે તેવા કિસ્સાઓમાં મતદારોને વ્યક્તિગત સુનાવણી માટે બોલાવવાની પ્રક્રિયા હવે અપવાદરૂપ રાખવાની જોગવાઈ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. તેના બદલે બૂથ લેવલ ઓફિસર (BLO) મતદારના ઘરે જઈને જરૂરી દસ્તાવેજો એકત્ર કરી શકશે.

આ વ્યવસ્થાથી દસ્તાવેજોની ચકાસણી માટે મતદારોને વારંવાર કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને પ્રક્રિયા વધુ સરળ બને તેવો હેતુ હોવાનું માનવામાં આવે છે.

13 શ્રેણી સિવાયના દસ્તાવેજો પણ સ્વીકારવાની જોગવાઈ

SIRની પ્રક્રિયામાં દસ્તાવેજો રજૂ કરવા અંગે પણ રાહત આપવામાં આવી હોવાનું જણાવાયું છે. મતદારો નિર્ધારિત 13 શ્રેણીમાં સમાવિષ્ટ દસ્તાવેજો ઉપરાંત અન્ય દસ્તાવેજો પણ રજૂ કરી શકશે. આવા કિસ્સાઓમાં ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર (ERO) દસ્તાવેજોની તપાસ કરીને પોતાની રીતે નિર્ણય લઈ શકશે.

ચૂંટણી પંચના આ ફેરફારોને મતદાર નોંધણી અને SIRની પ્રક્રિયા સાથે જોડાયેલા વહીવટી સુધારા તરીકે જોવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ફોર્મ-6માંથી SIR ડિક્લેરેશન અલગ કરવાનો નિર્ણય કાયદાકીય સત્તા અને પ્રક્રિયાના પાલન અંગે ઉઠેલા વાંધાઓ બાદ લેવાયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

Leave a Comment

और पढ़ें