ગાડીમાં સૂતેલા 16 વર્ષના કિશોર સહિત બે પરપ્રાંતીય યુવકોનાં કરુણ મોત; મૃતકના પિતાએ પૈસાની લેતીદેતીમાં હત્યાનો આક્ષેપ કર્યો, મધ્યપ્રદેશના બે શખ્સોની ધરપકડ
અમરેલી, તા.3 (મિલાપ રૂપારેલ): અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં તુફાન ગાડીમાં આગ લગાવી એક સગીર સહિત બે પરપ્રાંતીય યુવકોની હત્યા કરાયાની ચકચારી ઘટના સામે આવી છે. વાડીમાં પાર્ક કરેલી ગાડીમાં બંને યુવકો ઊંઘી રહ્યા હતા ત્યારે આગ લાગતાં તેઓ બહાર નીકળી શક્યા નહોતા અને ગંભીર રીતે દાઝી જવાથી બંનેનાં મોત નીપજ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં ગાડીના આશરે રૂ.60 હજારના બાકી હપ્તાની લેતીદેતીનો વિવાદ સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે મધ્યપ્રદેશના બે આરોપીઓને ઝડપી લીધા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં સુરેશ બચુભાઈ શિંગાળાની વાડીમાં તુફાન પેસેન્જર ગાડી પાર્ક કરવામાં આવી હતી. આ ગાડીમાં મધ્યપ્રદેશના વતની 16 વર્ષીય રવિ કમલેશ બધેલ અને 21 વર્ષીય નીતિન રામસિંગ પચાયા રાત્રિના સમયે સૂતા હતા. દરમિયાન મોડી રાત્રે ગાડીમાં આગ લાગી હતી. આગની લપેટમાં આવેલા બંને યુવકોને બહાર નીકળવાની તક મળી નહોતી. ગાડીમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બંનેનાં કરુણ મોત નીપજ્યાં હતાં.
વહેલી સવારે ગાડી સળગેલી હાલતમાં મળી આવતાં ઘટનાની જાણ લીલીયા પોલીસને કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મામલતદાર અને એફએસએલની ટીમે પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને જરૂરી પુરાવા એકત્રિત કર્યા હતા.
રૂ.60 હજારના બાકી હપ્તાની લેતીદેતીમાં હત્યાની આશંકા
આ બનાવમાં પૈસાની લેતીદેતીનો વિવાદ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતક સગીર રવિના પિતા કમલેશ બધેલે આક્ષેપ કર્યો હતો કે પૈસાના વિવાદમાં તેમના પુત્ર સહિત બે યુવકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે. તેમણે વિપેસિંગ નામના વ્યક્તિ પાસેથી આશરે રૂ.70 હજાર લેવાના બાકી હોવાના વિવાદમાં વિનુ નામનો શખ્સ આવી તુફાન ગાડીને આગ ચાંપી ગયો હોવાનો આક્ષેપ કર્યો હતો.
જોકે, પોલીસ તપાસમાં તુફાન ગાડીના આશરે રૂ.60 હજારના બાકી હપ્તાની લેતીદેતીનો મુદ્દો સામે આવ્યો હોવાનું લાઠીના ડીવાયએસપી વિસ્મય માંસેતાએ જણાવ્યું હતું. આર્થિક વ્યવહારના વિવાદને કારણે જ આ ગંભીર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
વિનેશ ઉર્ફે વિનોદ અને રાજુ ડોડીયાર ઝડપાયા
લાઠીના ડીવાયએસપી વિસ્મય માંસેતાના સુપરવિઝન હેઠળ પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન વિનેશ ઉર્ફે વિનોદ વરસંગ ડોડીયાર અને તેના પિતરાઈ ભાઈ રાજુ ગોરધન ડોડીયારની સંડોવણી સામે આવતાં પોલીસે બંનેને ઝડપી લીધા છે. બંને આરોપીઓ મધ્યપ્રદેશના મહિન્દ્રા ગામના વતની હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું હતું.
પોલીસ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, ગાડીને આગ લગાડવા પાછળનું સમગ્ર કાવતરું શું હતું અને ઘટનાની ચોક્કસ હકીકત શું છે તે સહિતના મુદ્દાઓની તપાસ ચાલુ છે.
બે યુવકોનાં મોતથી પંથકમાં ચકચાર
ગાડીમાં ઊંઘી રહેલા બે યુવકોનાં આગમાં દાઝી જવાથી થયેલાં મોતથી ગુંદરણ ગામ સહિત સમગ્ર પંથકમાં શોક અને ચકચાર ફેલાઈ છે. એક મૃતક માત્ર 16 વર્ષનો કિશોર હોવાથી ઘટનાએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. હાલ બે આરોપીઓ પોલીસના સકંજામાં છે અને વધુ તપાસમાં હત્યા પાછળનાં કારણો તથા અન્ય સંભવિત સંડોવણીઓ અંગે વિગતો બહાર આવવાની શક્યતા છે.








