તહેવારોની સિઝનમાં રાજ્યભરમાં 114 સ્થળે દરોડા; 3.35 લાખ કિલોથી વધુ ખાદ્યસામગ્રી કબજે, પતંજલિના સુપર ડિસ્ટ્રિબ્યુટર સહિત 19 સંસ્થાનાં લાઇસન્સ સસ્પેન્ડ
મહારાષ્ટ્રમાં તહેવારોની સિઝન દરમિયાન ખાદ્યસામગ્રીની ગુણવત્તા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યના સાત અલગ-અલગ વિભાગોમાં 114 સ્થળોએ દરોડા પાડીને રૂ.9.01 કરોડની કિંમતનો આશરે 3.35 લાખ કિલો શંકાસ્પદ ખાદ્યસામગ્રીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પતંજલિ આયુર્વેદના સુપર ડિસ્ટ્રિબ્યુટર સહિત 19 ફૂડ વિતરણ સંસ્થાઓનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
FDAની આ ઝુંબેશનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન લોકોને શુદ્ધ અને સુરક્ષિત ખાદ્યસામગ્રી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. તપાસમાં ભેળસેળ, ખોટું બ્રાન્ડિંગ, અસ્વચ્છ વાતાવરણમાં ખાદ્યપદાર્થોનું ઉત્પાદન અને જરૂરી દસ્તાવેજોના અભાવ સહિતની ગેરરીતિઓ સામે આવી છે.
પતંજલિના સુપર ડિસ્ટ્રિબ્યુટર પાસેથી ઘીનો જથ્થો જપ્ત
આ કાર્યવાહીમાં છત્રપતિ સંભાજીનગર ખાતે પતંજલિ આયુર્વેદના સુપર ડિસ્ટ્રિબ્યુટર મેસર્સ દિવ્ય મહાવિતરક પાસેથી રૂ.20.20 લાખની કિંમતનું 2,279.7 લિટર પતંજલિ ગાયનું ઘી જપ્ત કરવામાં આવ્યું છે. ઘીની ગુણવત્તા અને બ્રાન્ડિંગ અંગે શંકા ઊભી થતાં કુલ 4,032 યુનિટ સીલ કરવામાં આવ્યાં હતાં.
તહેવારો દરમિયાન ઘીની માંગમાં વધારો થતો હોવાથી FDA દ્વારા તેની ગુણવત્તા પર વિશેષ નજર રાખવામાં આવી રહી હતી. શંકાસ્પદ ભેળસેળ અને બ્રાન્ડિંગ સંબંધિત ગેરરીતિઓને ધ્યાનમાં રાખીને આ જથ્થો કબજે કરવામાં આવ્યો છે. જોકે, ઘીના નમૂનાઓની અંતિમ ગુણવત્તા અંગે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટતા થશે.
19 સંસ્થાઓનાં લાઇસન્સ સસ્પેન્ડ
FDAની તપાસ દરમિયાન મુંબઈ, અમરાવતી અને છત્રપતિ સંભાજીનગર સહિતના વિસ્તારોમાં નમકીન, મીઠાઈ અને મસાલાનું ઉત્પાદન તથા વેચાણ કરતી ફેક્ટરીઓ અને દુકાનોમાં ગેરરીતિઓ મળી આવી હતી. તેના પગલે પતંજલિના સુપર ડિસ્ટ્રિબ્યુટર સહિત કુલ 19 ફૂડ વિતરણ સંસ્થાઓનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
તપાસમાં પેસ્ટ કંટ્રોલ અને સફાઈના રેકોર્ડ જાળવવામાં બેદરકારી, અસ્વચ્છ વાતાવરણમાં ખાદ્યપદાર્થોનું ઉત્પાદન તથા જરૂરી કાયદાકીય દસ્તાવેજોનો અભાવ જેવા મુદ્દા સામે આવ્યા હતા. FDAએ સ્પષ્ટ કર્યું છે કે ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ડી-માર્ટ સહિત અન્ય વેપારીઓ પાસેથી પણ જથ્થો જપ્ત
આ ઝુંબેશ દરમિયાન અવેન્યુ સુપરમાર્ટ્સ (ડી-માર્ટ) સહિત અન્ય વેપારીઓ પાસેથી પણ ખાદ્યતેલ અને અનાજનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 28થી 31 ઓક્ટોબર દરમિયાન હાથ ધરાયેલી કાર્યવાહીમાં રૂ.79.40 લાખની કિંમતના પ્રતિબંધિત ખાદ્યપદાર્થો પણ મળી આવ્યા હતા.
શંકાસ્પદ ખાદ્યસામગ્રીનાં નમૂનાઓ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે. લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત વેપારીઓ અને ઉત્પાદકો સામે આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
13 FIR, 16 ધરપકડ અને 7 દુકાનો સીલ
FDAની કાર્યવાહી દરમિયાન કાયદાકીય ભંગ બદલ 13 FIR નોંધવામાં આવી છે અને 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત સાત દુકાનો સીલ કરવામાં આવી છે, જ્યારે છ વાહનો પણ જપ્ત કરાયાં છે.
તહેવારો દરમિયાન મીઠાઈ, ઘી, તેલ, મસાલા અને અન્ય ખાદ્યસામગ્રીની માંગ વધતી હોય છે. આવી સ્થિતિમાં ભેળસેળ અને અસુરક્ષિત ખાદ્યપદાર્થોનું વેચાણ અટકાવવા FDAની આ કાર્યવાહી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે લેબોરેટરીના રિપોર્ટ અને તપાસના આધારે આગળનાં પગલાં લેવામાં આવશે.








