ફ્લોરિડામાં ભયાનક વિમાન દુર્ઘટના : રસ્તા પર મિસાઇલની જેમ તૂટી પડ્યું પ્રાઇવેટ જેટ, 9નાં મોત

ટ્રમ્પના નિવાસસ્થાનથી આશરે 11 કિમી દૂર સર્જાઈ દુર્ઘટના; પાઇલટે કટોકટી જાહેર કરી, FAA અને NTSB દ્વારા તપાસ શરૂ

અમેરિકાના ફ્લોરિડામાં એક પ્રાઇવેટ બિઝનેસ જેટ વિમાન ભયાનક દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. આ વિમાન હવામાંથી અનિયંત્રિત થઈને અત્યંત ઝડપે નીચે તૂટી પડ્યું હતું અને રસ્તા નજીક જમીન સાથે અથડાતાં આગની લપેટમાં આવી ગયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ નવ લોકોનાં મોત થયાં હોવાનો અહેવાલ છે. ઘટનાસ્થળ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવાસસ્થાનથી આશરે 11 કિલોમીટર દૂર હોવાનું જણાવાયું છે.

ઓસ્ટિનથી બહામાસ જવા નીકળ્યું હતું જેટ

પ્રાપ્ત માહિતી અનુસાર, ‘લિયરજેટ 60’ નામનું પ્રાઇવેટ બિઝનેસ જેટ ટેક્સાસના ઓસ્ટિન-બર્ગસ્ટ્રોમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બહામાસ જવા માટે રવાના થયું હતું. ઓસ્ટિન એરપોર્ટના પ્રવક્તા જિમ રેનોલ્ડ્સે આ ઘટનાને મોટી દુર્ઘટના ગણાવી હતી.

પાઇલટે હવામાં જ જાહેર કરી હતી કટોકટી

દુર્ઘટના પહેલાં એર ટ્રાફિક કંટ્રોલ સાથેની રેડિયો વાતચીતમાં પાઇલટે વિમાન પર બરફ જામી રહ્યો હોવાની, બહારનું તાપમાન માઇનસ 47 ડિગ્રી સેલ્સિયસ હોવાની અને મધ્યમ સ્તરના ટર્બ્યુલન્સની માહિતી આપી હતી. ત્યારબાદ સ્થિતિ વધુ ગંભીર બની હતી.

પાઇલટે કટોકટી જાહેર કરતાં વિમાન ઝડપથી નીચે જઈ રહ્યું હોવાની અને ઓવરસ્પીડની સ્થિતિ સર્જાઈ હોવાની જાણ કરી હતી. રેડિયો સંવાદ દરમિયાન કોકપિટમાં એલાર્મના અવાજો સંભળાતા હતા. એર ટ્રાફિક કંટ્રોલર પાઇલટને સતત સંપર્કમાં રહેવા અને વાતચીત ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરી રહ્યો હતો. જોકે, થોડા સમય બાદ વિમાન સાથેનો રેડિયો સંપર્ક તૂટી ગયો હતો.

રસ્તા નજીક પડતાં આગનો ગોળો બન્યું વિમાન

દક્ષિણ ફ્લોરિડાના વિસ્તારમાં વિમાન અચાનક અત્યંત ઝડપે નીચે તૂટી પડ્યું હતું. જમીન સાથે અથડાતાં જ તેમાં આગ લાગી ગઈ હતી અને ઘટનાસ્થળે ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓ અને વાહનચાલકો દ્વારા બનાવવામાં આવેલા વીડિયોમાં વિમાન ઝડપથી નીચે આવતું દેખાતું હોવાનો અહેવાલ છે.

વિમાન મિલિટરી ટ્રેલ અને 10મા એવન્યુ નોર્થ નજીક રસ્તાની બાજુમાં પડ્યું હતું. અથડામણને કારણે જમીન પર મોટો ખાડો પડ્યો હતો અને આસપાસ આગની જ્વાળાઓ સાથે કાળો ધુમાડો છવાઈ ગયો હતો. વિમાન નજીકનાં રહેણાક મકાનો કે રસ્તા પરથી પસાર થતાં વાહનો સાથે અથડાયું ન હોવાને કારણે વધુ જાનહાનિ ટળી હોવાનું જણાવાયું છે.

રસ્તાઓ બંધ, ઇમરજન્સી ટીમો ઘટનાસ્થળે દોડી

દુર્ઘટનાની જાણ થતાં જ પામ બીચ કાઉન્ટી શેરિફ કાર્યાલયે આસપાસના રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ કરાવ્યો હતો. ફાયર ફાઇટર, પોલીસ અને અન્ય ઇમરજન્સી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. દુર્ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.

દુર્ઘટનાનું કારણ જાણવા તપાસ શરૂ

વિમાન કયા કારણોસર અનિયંત્રિત બન્યું અને દુર્ઘટનાનું ચોક્કસ કારણ શું હતું તે હજુ સ્પષ્ટ થયું નથી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ની ટીમોએ તપાસ શરૂ કરી છે. તપાસમાં વિમાનની ટેકનિકલ સ્થિતિ, હવામાન અને પાઇલટ સાથે થયેલી અંતિમ રેડિયો વાતચીત સહિતના પાસાઓની તપાસ કરવામાં આવશે.

Leave a Comment

और पढ़ें