આજે મધરાતથી આવતીકાલ સવાર વચ્ચે ઓંગોલ નજીક લેન્ડફોલનું અનુમાન; 100થી 110 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આશંકા, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ભારે વરસાદનું એલર્ટ
બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું ‘મુરાસુ’ વધુ તીવ્ર બની ભીષણ વાવાઝોડામાં ફેરવાયું છે અને ઝડપથી આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા છ કલાક દરમિયાન વાવાઝોડું આશરે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યું હતું. વાવાઝોડાને પગલે આંધ્રપ્રદેશના તટીય વિસ્તારો સહિત રાયલસીમા અને તમિલનાડુના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઓંગોલ નજીક દરિયાકાંઠે ટકરાવાની શક્યતા
હવામાન વિભાગના અનુમાન મુજબ, વાવાઝોડું 2 નવેમ્બરની રાત્રે 11:30 વાગ્યાથી 3 નવેમ્બરની વહેલી સવારે 4 વાગ્યા દરમિયાન દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. નેલ્લોર અને નરસાપુર વચ્ચે ઓંગોલ નજીકના વિસ્તારમાં તે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે.
દરિયાકાંઠે ટકરાતી વખતે પવનની ઝડપ પ્રતિ કલાક 100થી 110 કિલોમીટર રહેવાની આશંકા છે. પવનના તીવ્ર ઝાપટાં દરમિયાન તેની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. વાવાઝોડું ચેન્નાઈથી આશરે 260 કિલોમીટર પૂર્વ-ઉત્તર-પૂર્વ અને નેલ્લોરથી લગભગ 290 કિલોમીટર પૂર્વ-દક્ષિણ-પૂર્વ દિશામાં કેન્દ્રિત હોવાનું જણાવાયું હતું.
આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી
વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખીને 2 અને 3 નવેમ્બરના રોજ આંધ્રપ્રદેશના તટીય વિસ્તારો અને રાયલસીમામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ પણ પડી શકે છે. ઉત્તર તમિલનાડુના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે.
ચેન્નાઈમાં વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને સોમવાર માટે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થવા, વીજળીના થાંભલા અને વાયરોને નુકસાન પહોંચવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની આશંકા છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
વીજ પુરવઠો જાળવવા આંધ્રપ્રદેશમાં તૈયારીઓ
વાવાઝોડા ‘મુરાસુ’ને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશના ઊર્જા વિભાગે વીજ કંપનીઓને સાવચેતી અને જરૂરી તૈયારીઓ રાખવા નિર્દેશ આપ્યા છે. ભારે પવન અને વરસાદના કારણે વીજળીના થાંભલા, ટ્રાન્સફોર્મર તથા વીજતારોને નુકસાન થવાની શક્યતા છે.
સંવેદનશીલ વિસ્તારોમાં કર્મચારીઓ અને મશીનરી તૈનાત કરવા, વીજળી સંબંધિત સાધનોનો પૂરતો જથ્થો રાખવા અને વીજ પુરવઠો ખોરવાય તો તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.
ઓડિશામાં સ્થળાંતર અને રાહત કામગીરીની તૈયારી
વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ઓડિશામાં પણ વહીવટી તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીએ જણાવ્યું હતું કે સરકાર વાવાઝોડાનો સામનો કરવા તૈયાર છે અને લોકોએ ગભરાવાની જરૂર નથી.
દક્ષિણ ઓડિશાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કરી શકાય તે માટે 6,400થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. વાવાઝોડું નજીક આવતાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરીની તૈયારીઓ વધુ તેજ કરવામાં આવી છે.








