અગાઉની મંજૂરીને મહત્ત્વ આપતી ‘ડેફરન્સ પોલિસી’ નાબૂદ કરવાની દરખાસ્ત; દરેક નવી અરજીની સ્વતંત્ર તપાસ થઈ શકશે
નવી દિલ્હી : અમેરિકામાં નોકરી કરતા અને ગ્રીન કાર્ડ મેળવવા માટે લાંબી પ્રતીક્ષા કરી રહેલા ભારતીય પ્રોફેશનલ્સની મુશ્કેલીઓ વધી શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B સહિતના વર્ક વિઝા માટે લાગુ ‘ડેફરન્સ ટુ પ્રાયર એપ્રુવલ્સ’ નીતિ નાબૂદ કરવાની દરખાસ્ત કરી છે. આ ફેરફાર અમલી બનશે તો અગાઉ મંજૂર થયેલી અરજીના આધારે નવી અરજીને રાહત આપવાની જગ્યાએ યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) દરેક અરજીની સ્વતંત્ર રીતે તપાસ કરી શકશે.
શું છે ડેફરન્સ પોલિસી?
હાલની વ્યવસ્થા મુજબ, H-1B વિઝા ધરાવતા કર્મચારીની નોકરી, નોકરીદાતા અને અન્ય સંજોગોમાં કોઈ મોટો ફેરફાર ન થયો હોય તો વિઝા એક્સટેન્શનની અરજીની સમીક્ષા કરતી વખતે અગાઉની મંજૂરીને મહત્ત્વ આપવામાં આવે છે.
જોકે, અગાઉની અરજીમાં ગંભીર ભૂલ જણાય, સંજોગોમાં મોટો ફેરફાર થયો હોય અથવા નવી પ્રતિકૂળ માહિતી સામે આવે તો અધિકારીઓ ફરી તપાસ કરી શકે છે. પ્રસ્તાવિત ફેરફાર અમલી બનશે તો અગાઉની મંજૂરીને આધાર તરીકે માનવાની જરૂર રહેશે નહીં અને દરેક નવી અરજીમાં પાત્રતાની નવેસરથી ચકાસણી થઈ શકશે.
ભારતીય કર્મચારીઓ પર વધુ અસર થવાની શક્યતા
અમેરિકાના H-1B વિઝા કાર્યક્રમમાં ભારતીય નાગરિકોનો મોટો હિસ્સો છે. ખાસ કરીને EB-2 અને EB-3 કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડની લાંબી કતારમાં રહેલા અનેક ભારતીય કર્મચારીઓ પોતાનું અમેરિકામાં કામ ચાલુ રાખવા માટે H-1B વિઝાના એક્સટેન્શન પર નિર્ભર છે.
નવી વ્યવસ્થા અમલી બનશે તો આવા કર્મચારીઓની દરેક એક્સટેન્શન અરજી વખતે નોકરીનું સ્વરૂપ, પગાર, કર્મચારી અને કંપની વચ્ચેનો સંબંધ તેમજ અન્ય પાત્રતાના માપદંડોની ફરી તપાસ થઈ શકે છે. પરિણામે અરજદારોએ અગાઉ કરતાં વધુ દસ્તાવેજો અને પુરાવા રજૂ કરવાની જરૂર પડી શકે છે.
નોકરીદાતાઓ પર પણ વધશે વહીવટી બોજ
નીતિમાં ફેરફાર થયા બાદ અમેરિકી કંપનીઓએ કર્મચારીઓની જવાબદારીઓ, પગાર, કાર્યસ્થળ, કંપનીની કામગીરી અને કર્મચારીની લાયકાત અંગે વધુ વિગતવાર પુરાવા રજૂ કરવા પડી શકે છે.
અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના અંદાજ મુજબ, આ ફેરફારને કારણે દર વર્ષે આશરે 6,044 વધારાની ‘રિક્વેસ્ટ ફોર એવિડન્સ’ (RFE) જારી થઈ શકે છે. વધારાની તપાસને કારણે અરજીની પ્રક્રિયામાં વિલંબ થવાની સાથે કંપનીઓ અને કર્મચારીઓના કાનૂની ખર્ચમાં પણ વધારો થઈ શકે છે.
સરકારનો તર્ક અને દરખાસ્તની સ્થિતિ
અમેરિકી સરકારનું માનવું છે કે અગાઉની મંજૂરી પર વધુ પડતો આધાર રાખવાથી ખોટી અથવા અયોગ્ય અરજીઓ ઓળખવામાં મુશ્કેલી પડી શકે છે. તેથી દરેક અરજીનું સ્વતંત્ર મૂલ્યાંકન કરીને વિઝા વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા વધારવાનો હેતુ દર્શાવવામાં આવ્યો છે.
જોકે, આ ફેરફાર હાલ દરખાસ્તના તબક્કામાં છે અને અંતિમ નિયમ તરીકે અમલમાં આવ્યો નથી. જાહેર ટિપ્પણીઓ માટેની સમયમર્યાદા 13 નવેમ્બર, 2026 સુધી રાખવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ દરખાસ્ત અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
ગ્રીન કાર્ડની કતાર પર સીધી અસર નહીં
નોંધનીય છે કે, આ દરખાસ્તથી ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહેલા ભારતીય અરજદારોનો ક્રમ આપમેળે બદલાશે નહીં કે અગાઉ મંજૂર થયેલા H-1B વિઝા રદ થઈ જશે નહીં. જોકે, દરખાસ્ત અમલી બનશે તો ભવિષ્યમાં વિઝા એક્સટેન્શન મેળવવાની પ્રક્રિયા વધુ કડક બની શકે છે. ખાસ કરીને લાંબા સમયથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ભારતીય પ્રોફેશનલ્સ માટે નોકરી અને વિઝાની સ્થિતિ જાળવી રાખવી વધુ પડકારજનક બની શકે છે.








